ગુજરાત સરકારે રાજ્યમાં વર્ષોથી ફૂલેલી-ફાલેલી ગેરકાયદે ખનીજ ચોરીને જડબાતોડ જવાબ આપવા માટે અત્યંત કડક નિયમો લાગુ કરી દીધા છે. અત્યાર સુધી દંડ ભરીને છૂટી જતા ભૂમાફિયાઓ માટે હવે રસ્તો મુશ્કેલ બન્યો છે. સરકારના આ નવા આદેશોએ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.કડક નિયમો અને મહત્વની જોગવાઈઓનવા નિયમો મુજબ, જો કોઈ વાહન ગેરકાયદે ખનીજ વહન કરતા પકડાશે, તો તે 30 દિવસ સુધી કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.
સૌથી મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે જે વાહન ત્રણથી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાશે, તે વાહનને સીધું જ ‘શ્રીસરકાર’ (સરકારી મિલકત) જાહેર કરી દેવામાં આવશે. એટલે કે, વાહન માલિકે કાયમી ધોરણે પોતાનું વાહન ગુમાવવું પડશે.
ટેકનોલોજીથી રખાશે બાજ નજરસરકારે હવે ખનીજ ચોરી રોકવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. ખનીજ વહન કરતા તમામ વાહનોમાં GPS સિસ્ટમ લગાવવી હવે અનિવાર્ય છે. જેનાથી વાહન કયા રૂટ પર જઈ રહ્યું છે તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે. જિયોમાઈન (GeoMine) એપ દ્વારા કોઈપણ પકડાયેલા વાહનનો ગુનાહિત ઈતિહાસ તપાસવામાં આવશે. વાહન અગાઉ કેટલી વાર પકડાયું છે તેની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
ગંભીર કેસોમાં દંડ પણ કામ નહીં આવેઅત્યાર સુધી એવું બનતું કે માફિયાઓ મોટો દંડ ભરીને વાહન છોડાવી લેતા અને ફરી એ જ કાળા કારોબારમાં લાગી જતા. પરંતુ હવે ગંભીર પ્રકારની ખનીજ ચોરીના કિસ્સામાં માત્ર દંડ ભરવાથી વાહન મુક્ત થશે નહીં. આ કડક વલણ પાછળનો હેતુ કુદરતી સંપત્તિનું રક્ષણ કરવાનો અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવાનો છે.
રાજ્ય સરકારના આ આક્રમક અભિગમથી ગેરકાયદે રેતી ખનન અને પથ્થર ચોરી કરતા તત્વો પર લગામ કસાશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે.