રાજ્યમાં એન્ટિબાયોટિક દવાઓના આડેધડ વપરાશને રોકવા અને તેના કારણે વધતા જતા ‘એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ’ (AMR) ના ખતરાને ખાળવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ નવી ગાઈડલાઈનનો અમલ કરવામાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ સમગ્ર રાજ્યમાં પ્રથમ હોસ્પિટલ બની છે.
કેમ લેવાયો આ નિર્ણય?
તબીબી નિષ્ણાંતોના મતે, એન્ટિબાયોટિક્સના વધુ પડતા અને બિનજરૂરી ઉપયોગથી શરીરમાં બેક્ટેરિયા તે દવા સામે પ્રતિકારક શક્તિ કેળવી લે છે. પરિણામે, જ્યારે ખરેખર ગંભીર બીમારીમાં આ દવાની જરૂર હોય છે, ત્યારે તેની અસરકારકતા ઘટી જાય છે. આ ગંભીર સ્થિતિને જોતા સરકારે દવાઓના પ્રિસ્ક્રિપ્શન અંગે કડક વલણ અપનાવ્યું છે.
ત્રણ સ્તરીય તપાસ પ્રક્રિયા (AWaRe કેટેગરી)
નવી માર્ગદર્શિકા મુજબ, હવે એન્ટિબાયોટિક્સ આપતા પહેલા દર્દીની જરૂરિયાત તપાસવા માટે તેને ત્રણ મુખ્ય કેટેગરીમાં વહેંચવામાં આવી છે.
1. એક્સેસ: સામાન્ય ચેપ માટે વપરાતી દવાઓ.
2. વોચ : ગંભીર ચેપ માટે સાવચેતીપૂર્વક વાપરવાની દવાઓ.
3. રિઝર્વ : અત્યંત ગંભીર કિસ્સામાં છેલ્લી હરોળના હથિયાર તરીકે વપરાતી દવાઓ.
સિવિલ હોસ્પિટલની નવી પહેલ
અસારવા સિવિલ હોસ્પિટલે આ દિશામાં નક્કર પગલાં ભરતા નીચે મુજબની કામગીરી શરૂ કરી છે.
કલ્ચર ટેસ્ટ પર ભાર: હવે દર્દીને સીધી હાઈ-ડોઝ દવા આપવાને બદલે પહેલા બેક્ટેરિયાનું ‘કલ્ચર’ કરી તેના જીવાણુની ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ જ જરૂરિયાત મુજબની ચોક્કસ દવા આપવામાં આવે છે.
રિસ્ટ્રીક્ટેડ દવાઓ માટે મંજૂરી: અંદાજે 14 જેટલી અત્યંત મહત્વની (Restricted) દવાઓ શરૂ કરતા પહેલા બ્લડ કન્સન (Blood Consent) લેવાની અને ઉચ્ચ સ્તરીય તબીબી મંજૂરી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રેઝિસ્ટન્સ અટકાવવાનો પ્રયાસ: આ પદ્ધતિથી દર્દીના શરીરમાં દવાની આડઅસર ઘટશે અને ભવિષ્યમાં દવા કામ ન કરે તેવી સ્થિતિ (Drug Resistance) ઉભી થશે નહીં.
નિષ્ણાંતોનું શું કહેવું છે?
સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સ એ સાયલન્ટ પેન્ડેમિક જેવું છે. જો અત્યારે સાવચેતી નહીં રાખવામાં આવે, તો સામાન્ય ચેપ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલો માટે પણ રોલ મોડેલ સાબિત થશે.