શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક એવી એમ.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં ટ્રસ્ટી દ્વારા ભ્રષ્ટાચારનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કોલેજમાં પ્રિન્સિપાલ હાલ ફરજ નિવૃત્ત થતા તેમને નિવૃત્તિ બાદના મળવાપાત્ર તમામ લાભો અંગેની એક ફાઈલ પર સહી કરવા માટે આ ટ્રસ્ટીએ રૂ. 5 લાખની લાંચ માંગી હતી, જેમાંથી ટ્રસ્ટી વતી રૂ.
3 લાખ સ્વીકારતા વોચમેનને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રંગેહાથ ઝડપી પાડ્યો છે.
વિગતવાર વાત કરીએ તો, અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી વેદ શ્રી એમ.એમ. પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હાલ નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેમના કાયદેસરના હક જેવા કે પેન્શન, જી.પી.એફ. (GPF) અને રજાના રોકડ રૂપાંતરણની ફાઈલો તૈયાર કરવામાં આવી હતી. આ ફાઈલો પર સહી કરવાના બદલામાં કોલેજના ટ્રસ્ટી તિમિરભાઈ વિનુભાઈ અમીનએ આચાર્ય પાસેથી કુલ રૂ. 5,00,000ની લાંચની માંગણી કરી હતી.
આટલું જ નહીં આ લાંચિયા ટ્રસ્ટીએ અગાઉ આચાર્ય પાસેથી રૂ. 2,00,000 પડાવી પણ લીધા હતા અને બાકીના રૂ. 3,00,000 માટે તેઓ આચાર્યને સતત દબાણ કરી રહ્યા હતા. જોકે આચાર્ય આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલે ટ્રસ્ટી સામે ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે ACBની ટીમે ગત રોજ (07/01/2026) પંકજ વિદ્યાલયના કેમ્પસમાં છટકું ગોઠવ્યું હતું. જ્યાં ટ્રસ્ટી તિમિરભાઈ અમીને લાંચની રકમ સ્વીકારવા માટે કોલેજના વોચમેન મુરલીમનોહર રામલાલજી ઝંડોલને સૂચના આપી હતી. જ્યારે ફરિયાદી ટ્રસ્ટીની ઓફિસની બહાર વોચમેનને રૂ. 3,00,000 આપવા ગયા, ત્યારે ACBએ વોચમેનને નાણાં સાથે રંગેહાથ ઝડપી લીધો હતો.
હાલ આ મામલે ACBએ વોચમેનની અટકાયત કરી છે, અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વોચમેન તથા ટ્રસ્ટી બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે ટ્રેપ દરમિયાન જેના પર આરોપ છે એ ટ્રસ્ટી તિમિરભાઈ અમીન તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે. ત્યારે આ રીતે નાસી છૂટેલા ટ્રસ્ટીની ધરપકડ કરવા માટે ACBએ ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે શૈક્ષણિક જગતમાં આ કિસ્સાને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે અને નિવૃત્ત કર્મચારીઓ પાસે નાણાં માંગતી આવી સંસ્થાઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.