દેશના 6 રાજ્યો અને 15 શહેરોમાં ગુરૂવારે સવારે ઈડીએ દરોડા પાડ્યા છે. ઈડીના આ દરોડા સરકારી નોકરી અપાવવાના નામે ચાલી રહેલા કૌભાંડને લઈને છે. આ હેઠળ એક સંગઠિત ગેંગ લોકોને સરકારી નોકરી અપાવવાના નામે છેતરતી હતી. તેના તરફથી લોકોને નકલી નિમણૂંક પત્ર અને કોલ લેટર જારી કરવામાં આવતા હતા. ખાસ કરી ભારતીય રેલવે અને 40 અન્ય સરકારી વિભાગોમાં ભરતીના નામે આ કૌભાંડ ચાલી રહ્યું હતું.
રેલવે સિવાય પોસ્ટ વિભાગ, વન વિભાગ, ટેક્સ વિભાગ, હાઈકોર્ટ, લોક નિર્માણ વિભાગ, બિહાર સરકાર, ડીડીએ અને રાજસ્થાન સચિવાલય વગેરેના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હતી.
આ ગેંગ નકલી ઈમેલ એકાઉન્ટ બનાવી લોકોને નિમણૂંક પત્ર મોકલતું હતું. એવા ઈમેલ એડ્રેસ તૈયાર કરવામાં આવતા હતા, જેને જોઈને લાગતું હતું કે ખરેખર કોઈ સરકારી વિભાગ તરફથી મોકલવામાં આવ્યો છે. એટલું જ નહીં લોકોમાં વિશ્વાસ પેદા કરવા માટે આ ગેંગ દ્વારા કેટલાક લોકોના ખાતામાં 2થી 3 મહિના પગાર પણ મોકલ્યો હતો. આ લોકોને આરપીએફ, ટીટીઈની નોકરીની લાલચ આપવામાં આવી હતી. તેમાં બેથી ત્રણ મહિના સુધી પગારના નામ પર રકમ ટ્રાન્સફર પણ કરવામાં આવતી હતી. રેલવેમાં ટેક્નીશિયન જેવા પદો પર પણ છેતરપિંડી કરવામાં આવતી હતી.
ગુજરાત સહિત છ રાજ્યોમાં દરોડા
હાલમાં ઈડીએ આ મામલામાં બિહાર, બંગાળ, યુપી, તમિલનાડુ, ગુજરાત અને કેરળમાં દરોડા પાડ્યા છે. આ છ રાજ્યોના કુલ 15 શહેરમાં ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ઈડીએ બે સ્થળે દરોડા પાડ્યા છે. આ સિવાય પ્રયાગરાજમાં 1 અને લખનૌમાં એક જગ્યાએ કાર્યવાહી ચાલી રહી છે. બિહારમાં મુઝફ્ફરપુરમાં એક સ્થાન પર અને મોતિહારીમાં બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં આ ગેંગના બે સ્થળની જાણકારી મળી છે. આ સિવાય ચેન્નઈ અને રાજકોટમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. કેરળના ચાર શહેરોમાં ઈડીએ કાર્યવાહી શરૂ કરી છે.