સુરત ક્રાઇમ બ્રાંચે રાજુ ઉર્ફે ‘રહેમાન ડકેત’ને ઝડપી લીધો, આંતરરાજ્ય ઇરાની ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ

Spread the love

 

સુરત શહેર ક્રાઇમ બ્રાંચે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. દેશના અનેક રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી અને હિંસક ગુનાઓ આચરનાર આંતરરાજ્ય ઈરાની ગેંગના મુખ્ય સુત્રધાર આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે ‘રહેમાન ડકેત’ને સુરતમાં ગુનો કરે તે પહેલાં જ ઝડપી લેવામાં આવ્યો છે. આ ધરપકડને કારણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં થનારા ગંભીર ગુનાઓ અટકી ગયા છે.

ધરપકડ કરાયેલો આરોપી ભોપાલના કુખ્યાત “ઈરાની ડેરા”નો મુખ્ય સંચાલક હોવાનું બહાર આવ્યું છે. રાજુ ઉર્ફે રહેમાન છેલ્લા ઘણા વર્ષોથી એક સુવ્યવસ્થિત ઈન્ટરસ્ટેટ ક્રિમિનલ નેટવર્ક ચલાવતો હતો અને છથી વધુ અલગ-અલગ ગેંગોનું સંચાલન કરતો હતો.

ભોપાલથી થતો સમગ્ર ગુનાખોરીનો કંટ્રોલ

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે રાજુ ઈરાની ભોપાલથી બેઠા બેઠા નક્કી કરતો હતો કે કઈ ગેંગ કયા રાજ્યમાં જઈને ગુનો કરશે. ગેંગના સભ્યોને પોલીસ જેવી બોલચાલ, વર્તન અને લૂંટની ખાસ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. જો કોઈ સભ્ય પકડાય તો તેના રહેવા, છુપાવા અને વકીલ વ્યવસ્થા સુધીની તમામ જવાબદારી રાજુ ઈરાની સંભાળતો હતો. બદલામાં લૂંટની રકમમાંથી મોટો હિસ્સો તે પોતે લઈ લેતો હતો.

ખતરનાક મોડસ ઓપરેન્ડીં

નકલી પોલીસથી સાધુ સુધી અનેક રૂપે લૂંટ: રાજુ ઈરાની ગેંગનું મોડસ ઓપરેન્ડીં અત્યંત ખતરનાક અને ચાલાક હતું. નકલી CBI/પોલીસ બની લૂંટ: સફારી સૂટ પહેરી અધિકારી બનીને ખાસ કરીને વૃદ્ધોને ટાર્ગેટ કરાતો. ડિસટ્રેક્શન ટેક્નિક: કપડાં પર કેમિકલ નાખી ધ્યાન ભટકાવી કિંમતી સામાન ચોરી લેવાતો. સાધુ-જ્યોતિષનો વેશ: “સોનું સાફ કરી આપીએ” અથવા “દોરા-ધાગા”ના બહાને ઘરેણાં લૂંટ. નકલી પોલીસ નાકાબંધી: હાઇવે અને એકાંત રસ્તાઓ પર બેરિકેડ્સ ઉભા કરી લૂંટ. પોલીસ રેઇડ વખતે પથ્થરમારો. મહિલાઓ અને બાળકોને આગળ રાખી ગુનેગારોને ભગાડવાની યુક્તિ.

અનેક રાજ્યોમાં વોન્ટેડ

રાજુ ઈરાની સામે મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ગુનાઓ નોંધાયેલા છે. તેમાં લૂંટ, છેતરપિંડી, હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ જેવા ગંભીર કેસો સામેલ છે. ખાસ કરીને ભોપાલમાં પોલીસને માહિતી આપનાર સાબીર અલી ઉર્ફે ભુરા સામે અદાવત રાખી, તા. 05/12/2025ના રોજ તેના પરિવારને જીવતા સળગાવવાનો પ્રયાસ કરાયો હતો. આ ખૌફનાક ઘટનામાં પણ રાજુ ઈરાની મુખ્ય આરોપી હતો અને ત્યારથી ફરાર હતો.

MP રેઇડ બાદ સુરત સુધી આવ્યો

28/12/2025ના રોજ મધ્યપ્રદેશ પોલીસે 150થી વધુ જવાનો સાથે ભોપાલના ઈરાની ડેરા પર રેઇડ કરી હતી, જેમાં 34 પુરુષો અને 10 મહિલાઓને અટકાયત કરવામાં આવી હતી. દબાણ વધતા રાજુ ઈરાની ભોપાલ છોડીને સુરત તરફ વળ્યો હતો. સુરતમાં ગુનાઓ આચરવાની તૈયારી દરમિયાન જ સુરત ક્રાઇમ બ્રાંચે સતર્કતા દાખવીને તેને ઝડપી લીધો, જેના કારણે એક મોટી આંતરરાજ્ય ગુનાખોરી અટકાવવામાં સફળતા મળી છે.

હાલમાં પુછપરછ ચાલુ

હાલમાં આરોપીની ઘનિષ્ઠ પુછપરછ ચાલી રહી છે. પોલીસને આશંકા છે કે આ પુછપરછમાં અન્ય ગેંગ સભ્યો, ગુનાના નેટવર્ક અને અનેક બાકી ગુનાઓના મોટા ખુલાસા થઈ શકે છે. સુરત ક્રાઇમ બ્રાંચની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી એક મોટી આંતરરાજ્ય ગુનાખોરીને સમયસર અટકાવવામાં સફળતા મળી છે, જે શહેરની સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *