શહેરના કાપોદ્રા વિસ્તારમાં ફરી એકવાર ગંભીર ગુનાહિત ઘટનાએ શહેરની કાયદો-વ્યવસ્થાને પડકાર આપ્યો છે. કાપોદ્રા ચાર રસ્તા નજીક જૂની અદાવતના કારણે ચાર ઇસમોએ મળીને એક યુવકની નિર્મમ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે અન્ય લોકોને પણ ચપ્પુના ઘા લાગતા ગંભીર ઇજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, કાપોદ્રા ચાર રસ્તા પાસે 2 પક્ષો ભેગા થયા હતા, જ્યાં પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ ઝઘડો ઉગ્ર બની ગયો હતો. ઝઘડાની વચ્ચે આરોપીઓએ “બહુ ચરબી વધી ગઈ છે” જેવી ઉશ્કેરણીજનક ટિપ્પણી કરી યુવક પર ચપ્પુથી અંધાધૂંધ હુમલો કર્યો હતો.
આ હુમલો એટલો ઘાતક હતો કે યુવકને ઉપરાછાપરી ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. આ હુમલામાં મંગલ ઉર્ફે બારીક યાદવ નામના યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ ફેલાઈ ગયો હતો.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક મંગલ ઉર્ફે બારીક યાદવ સામે અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા હતા. સાથે સાથે હત્યા કરનાર આરોપીઓનો ઇતિહાસ પણ ગુનાહિત હોવાનું સામે આવ્યું છે, જેનાથી આ ઘટના પૂર્વયોજિત હોવાની શંકા વધુ મજબૂત બની છે. ઘટનાની ગંભીરતા જોતા કાપોદ્રા પોલીસ તરત જ એક્શનમાં આવી હતી. ઝડપી કાર્યવાહી કરતા પોલીસે બે આરોપીઓને સુરત શહેરમાંથી અને બે આરોપીઓને સુરેન્દ્રનગરમાંથી ઝડપી પાડ્યા છે.
કાપોદ્રા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે હત્યા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જૂની અદાવતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર સુરતમાં ગુનાખોરીની સમસ્યા પર સવાલો ઉભા કર્યા છે, ત્યારે સ્થાનિક લોકો પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ કરી રહ્યા છે.