
રિટેલ ચેઇન ડી-માર્ટનું સંચાલન કરતી કંપની એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડને નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં 855.78 કરોડ રૂપિયાનો નફો (કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ) થયો છે. વાર્ષિક ધોરણે આ 18.27% વધ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં પણ કંપનીને ₹723.54 કરોડનો નફો થયો હતો. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં ડી-માર્ટે ઓપરેશનથી ₹18,100.88 કરોડની આવક (રેવન્યુ) જનરેટ કરી. વાર્ષિક ધોરણે આ 13.32% વધ્યો છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીની આવક ₹15,972.55 કરોડ રહી હતી. વસ્તુઓ અને સેવાઓના વેચાણથી મળતા પૈસાને આવક અથવા રાજસ્વ કહેવાય છે. શુક્રવારે એવન્યુ સુપર-માર્ટ (ડી-માર્ટ)નો શેર 0.45% વધીને 3,807ના સ્તરે બંધ થયો હતો. કંપનીનો શેર એક વર્ષમાં માત્ર 4% વધ્યો છે. છેલ્લા 6 મહિનામાં તે 9% અને એક મહિનામાં 1% ઘટ્યો છે.
સુપરમાર્કેટ ચેઇન ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દમાણી છે. તેમણે 2002માં મુંબઈના પવઈ વિસ્તારમાંથી ડી-માર્ટની શરૂઆત કરી હતી. અહીં તેમણે ડી-માર્ટનો પહેલો સ્ટોર ખોલ્યો હતો. 1999માં દમાણીએ નવી મુંબઈના નેરુલમાં ‘અપના બજાર’ની એક ફ્રેન્ચાઈઝી શરૂ કરી હતી, પરંતુ તેમને આ મોડેલ ફાવ્યું ન હતું. ડી-માર્ટ સુપરમાર્કેટ ચેઇનને એવન્યુ સુપરમાર્ટ્સ લિમિટેડ (ASL) ઓપરેટ કરે છે. એવન્યુ સુપરમાર્ટ્સના CEO નેવિલ નોરોન્હા છે. 68 વર્ષીય રાધાકિશન દમાણીની કંપની ડી-માર્ટે 2017માં શેરબજારમાં ડેબ્યૂ કર્યું હતું. ડી-માર્ટ 21 માર્ચ 2017 ના રોજ શેરબજારમાં લિસ્ટ થઈ હતી, તે દિવસે કંપનીનું માર્કેટ કેપ 39,988 કરોડ રૂપિયા હતું. હવે કંપનીનું માર્કેટ કેપ 2.48 લાખ કરોડ રૂપિયા છે.