વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ આજે અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી, બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત
અમદાવાદ
ભારતની પોતાની પહેલી મુલાકાતે પહોંચેલા જર્મન ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ આજે અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.વડાપ્રધાનશ્રી અને જર્મનીના ચાન્સેલરશ્રીએ આશ્રમ માં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાતવાની પ્રક્રિયાને નિહાળી હતી.
તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જોડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) ૨૦૨૬’નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન શ્રી મોદી તેમજ જર્મન ચાન્સેલર શ્રી મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી.
ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે. જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે ઊંડાણપૂર્વકની જાણકારી પણ મેળવી હતી. અહીં પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જિવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેને મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના બેડાં રાસ, કુચિપુડી, ભરત નાટ્યમ સહિતની નૃત્યકળા અને મલખમ જેવી પ્રાચીન અંગ કસરત કળા દ્વારા વિશેષ પ્રસ્તુતિના માધ્યમથી બંને દેશના મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા.
તદુપરાંત, ગુજરાત-રાજસ્થાનના કુલ ૧૦૮ જેટલાં કલાકારો દ્વારા આ પ્રસંગે સિતાર, સારંગી, વાયોલિન, મેન્ડોલિન, હારમોનિયમ, બાંસુરી, ઢોલક, તબલાં, મૃદંગ સહિતનાં વિવિધ વાદ્યો દ્વારા વંદે માતરમ, વૈષ્ણવજન તેમજ જર્મન ધૂન વગાડીને ભારત અને જર્મનીની મિત્રતાની પ્રતીતિ કરાવવામાં આવી હતી.તા ૧૩મી જાન્યુઆરીના રોજ સાંજે ૭-૦૦ વાગ્યે ૧૦૮ કલાકારો દ્વારા ભવ્ય સિમ્ફની પ્રદર્શન અને વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કલા અને સંગીતનો અનુભવ કરાવવામાં આવશે. જેમાં લોકગાયિકા કિંજલ દવે દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે. જ્યારે આકાશ રંગબેરંગી રાત્રિ પતંગોથી ઝળહળી ઊઠશે.
આંતરરાષ્ટ્રીય મહોત્સવ જેવા રાજ્યની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતાં આયોજનો થકી સમગ્ર ગુજરાતની ઓળખ વૈશ્વિકસ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન ગંતવ્ય તરીકે પ્રસ્થાપિત થઈ રહી છે. ત્યારે મુલાકાતીઓને ગુજરાતની વ્યંજન અને હસ્તકલાનો પરિચય કરાવવા માટે ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ પણ બનાવવામાં આવ્યા છે.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં અલ્જેરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચિલિ, ચાઇના, કોલંબિયા, કોસ્ટારિકા, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ક્રિશ, ગ્વાટેમાલા, હંગેરી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈઝરાયેલ, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, લેબેનોન, લિથુનિયા, મલેશિયા, મોરેશિયસ, મેક્સિકો, ન્યૂઝિલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, રશિયા, સિંગાપોર, સ્લોવેકિયા, સાઉથ આફ્રિકા, સ્પેન, શ્રીલંકા, સ્વિડન, થાઈલેન્ડ, તુર્કમેનિસ્તાન, યુક્રેન, યુ.કે., યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, વિયેતનામ, સ્લોમેનિયા, બહેરિન, નેપાળ, મેક્સિકો, તૂર્કી, જોર્ડન સહિતના કુલ ૫૦ જેટલા દેશોના પતંગવીરો ભાગ લઈ રહ્યા છે.
આ કાર્યક્રમ દરમિયાન, તેઓએ હવામાં ઉડતા જર્મન અને ભારતીય પતંગોને એક સાથે પકડયા. તેઓએ હનુમાન દર્શાવતો પતંગ પણ ઉડાડ્યો. ત્યારબાદ તેમણે બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને રાજદ્વારી સંબંધોનો સંદેશ આપ્યો. મેર્ઝની મુલાકાતનો હેતુ ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાનો છે. મેર્ઝની મુલાકાત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોના 75 વર્ષ અને ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવા સાથે સુસંગત છે.મેર્ઝ 12 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી ભારતમાં રહેશે. 13 જાન્યુઆરીએ, મેર્ઝ બોશની મુલાકાત લેશે, જે પછી સેન્ટર ફોર નેનો સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, CeNSE હતું. ત્યારબાદ તેઓ જર્મની જવા રવાના થશે. પીએમ નરેન્દ્ર મોદી અને ચાન્સેલર મેર્ઝે છેલ્લે કેનેડામાં G7 સમિટ દરમિયાન વાત કરી હતી.પતંગ મહોત્સવમાં હાજરી આપ્યા પછી, પીએમ અમદાવાદના ઓલ્ડ હાઈકોર્ટ સ્ટેશનથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી મેટ્રો દ્વારા મુસાફરી કરશે. અહીં મોદી અને માર્જે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે.
આ કાર્યક્રમો પછી, પીએમ બપોરે 2:30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. પીએમ મોદીની ગુજરાત મુલાકાતનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે.આ મુલાકાત ભારત-યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ની આગામી સમિટના બે અઠવાડિયા પહેલા થઈ રહી છે, જેમાં જર્મની મુખ્ય સમર્થકની ભૂમિકા ભજવી રહ્યું છે.
ભારત અને જર્મની વચ્ચેનો આ સંબંધ એક “ટુ-વે સ્ટ્રીટ” (Two-way street) જેવો છે. જે રીતે એક સંતુલિત પતંગને ઊંચાઈ સુધી લઈ જવા માટે સાચી દિશા અને મજબૂત દોરીની જરૂર હોય છે, તેવી જ રીતે આ ભાગીદારી પણ વેપાર અને પરસ્પર વિશ્વાસના દોરાથી બંધાયેલી છે, જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે સ્થિર પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવે છે.ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન શ્રી કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન શ્રી આઈ.પી.ગૌતમ, અમદાવાદ કલેક્ટર શ્રી સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.










