

દહેગામ તાલુકાના વાસણા ચૌધરી ગામે મણિબા સેવા સદન સતનામ પરિવાર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક કેમ્પમાં આશરે 1000 દર્દીઓએ વિવિધ તબીબી સેવાઓનો લાભ લીધો હતો. કેમ્પમાં હાડકાં વિભાગ, ફિઝિશિયન વિભાગ, આંખ વિભાગ, સ્ત્રી રોગ નિદાન અને બાળકો વિભાગ સહિતના નિષ્ણાત તબીબો દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. અમદાવાદ અને ગાંધીનગરના નિષ્ણાત ડોકટરોએ તેમની સેવાઓ આપી હતી. આ ઉપરાંત, તમામ દર્દીઓને વિનામૂલ્યે તમામ પ્રકારની દવાઓ, ટેબ્લેટ અને ચશ્મા પણ આપવામાં આવ્યા હતા. રોગ નિદાન બાદ જરૂરી તમામ દવાઓ સ્થળ પર જ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, તેમજ આંખના દર્દીઓને સારી ગુણવત્તાના વિવિધ નંબરના ચશ્મા પણ મફત આપવામાં આવ્યા હતા. વાસણા ચૌધરી ઉપરાંત કાનપુર, છાલા, આતમપુરા, બિલમણા, જલુન્દરા સહિતના આસપાસના ગામોના અંદાજે એક હજાર દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. મણીબા સેવા સદન સતનામ પરિવાર ટ્રસ્ટ દર વર્ષે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આવા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરે છે.