સુરતમાં 1550 કરોડનું મહાકૌભાંડ: નોટો ગણવાના 4 મશીનોથી ગણાતા હતા પૈસા, ઓફિસમાંથી મળ્યા સોના-હીરાના ઢગલા

Spread the love

 

સુરત પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા 1550 કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડ કૌભાંડમાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની તપાસના તાર છેક મહિધરપુરા હીરાબજાર સુધી પહોંચ્યા છે. પોલીસે કાળા નાણાંને સફેદ કરવા અને તેને ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) માં ફેરવતા વધુ 4 આરોપીઓને દબોચી લીધા છે.

પોલીસને આરોપીઓની ઓફિસ અને ઘરેથી એટલી રોકડ મળી છે કે તે ગણવા માટે 4 મશીનો કામે લગાડવા પડ્યા હતા. આ ઉપરાંત સોનું, ચાંદી અને હીરાનો જથ્થો પણ મળી આવ્યો છે.

2 કરોડ રોકડા અને કરોડોનો મુદ્દામાલ જપ્ત

સુરત પોલીસે બાતમીના આધારે ચિરાગ ઉર્ફે ચાર્લી સૂતરિયા અને પ્રવિણ ગઢિયા ની મહિધરપુરા સ્થિત ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ત્યાંથી પોલીસને ₹1.92 કરોડની રોકડ રકમ અને નોટો ગણવાના 4 કાઉન્ટિંગ મશીન મળી આવ્યા હતા. આ સાથે આરોપીઓના ઘરે તપાસ કરતા 289 ગ્રામ સોનું, 10 કિલો 800 ગ્રામ ચાંદી અને 413.37 કેરેટના રફ હીરા પણ જપ્ત કરવામાં આવ્યા છે. કુલ મળીને પોલીસે ₹2,60,32,214 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સિવાય અન્ય બે આરોપી અબ્દુલરબ ચામડીયા અને અમીત ચોક્સી ની પણ ધરપકડ કરવામાં આવી છે.

શું હતી મોડસ ઓપરેન્ડી? (Modus Operandi)

આ ગેંગ સાયબર ફ્રોડના નાણાંને સિસ્ટમમાં ઘૂસાડવા માટે એક ખાસ પદ્ધતિ અપનાવતી હતી.

મ્યુલ એકાઉન્ટ્સ: ગેંગના સભ્યો સામાન્ય લોકોને લાલચ આપી તેમના નામે ડમી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા.

રોકડ ઉપાડ: સાયબર ફ્રોડના પૈસા જ્યારે આ ખાતાઓમાં આવતા, ત્યારે આરોપી અબ્દુલરબ તે પૈસા અમીત ચોક્સીના ખાતામાંથી રોકડ સ્વરૂપે ઉપાડી લેતો હતો.

USDT કન્વર્ઝન: આ રોકડ રકમ ચિરાગ સૂતરિયા અને પ્રવિણ ગઢિયાની ઓફિસે પહોંચતી હતી. ત્યાં ચિરાગ સૂતરિયા આ બ્લેક મનીને USDT (Tether) નામની ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી વિદેશમાં ટ્રાન્સફર કરી દેતો હતો, જેથી પૈસાનું પગેરું દબાવી શકાય.

1550 કરોડના વ્યવહારો અને 25 આરોપીઓ જેલહવાલે

તપાસમાં અત્યાર સુધીમાં 164 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે. આ એકાઉન્ટ્સના ટ્રાન્ઝેક્શનની તપાસ કરતા કુલ 1550 કરોડ રૂપિયાની હેરાફેરી થઈ હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 25 આરોપીઓની ધરપકડ કરી છે અને 1.5 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. જેમાં બેંકના 8 કર્મચારીઓ પણ સામેલ છે, જેમણે ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે ખાતા ખોલવામાં મદદ કરી હતી.

DCP ડો. કાનન દેસાઈનું નિવેદન

આ અંગે ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અમને માહિતી મળી હતી કે 164 ખાતા પૈકી અમુક ખાતામાં 90 લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર થયા હતા. આ કડી અબ્દુલરબ અને અમીત ચોક્સી સુધી પહોંચી હતી. તેમની પૂછપરછમાં ચિરાગ સૂતરિયા અને પ્રવિણ ગઢિયાના નામ ખુલ્યા હતા, જેઓ હવાલા મારફતે આવેલા નાણાંને USDT માં ફેરવવાનું કામ કરતા હતા. આ આંતરરાષ્ટ્રીય રેકેટના મૂળ સુધી પહોંચવા પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *