ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનાર ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીને રૂ. ૪૦,૦૦૦નો દંડ
તા. ૧૩/૦૧/૨૦૨૬, ગાંધીનગર
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનાર ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સામે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કડક વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. કાર્યક્રમ બાદ ડેકોરેશનની સામગ્રી અને ફૂલોના કચરાનો જાહેરમાં અયોગ્ય રીતે નિકાલ કરવા બદલ ‘Ivy Aura’ નામની સંસ્થા પાસેથી રૂ. ૪૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.
મહાત્મા મંદિર જેવા પ્રતિષ્ઠિત સ્થળે આયોજિત કાર્યક્રમમાં ઇવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી સંભાળતી ‘Ivy Aura’ સંસ્થા દ્વારા ડેકોરેશનમાં વપરાયેલ સામાન અને ફૂલોના કચરાનો નિકાલ નિયમ મુજબ કરવાને બદલે બેદરકારીપૂર્વક કરવામાં આવ્યો હતો. આ બાબત કોર્પોરેશનના ધ્યાને આવતા, જાહેર સ્થળે ગંદકી ફેલાવવા અને સ્વચ્છતા વ્યવસ્થામાં વિક્ષેપ પાડવા બદલ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈને કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પબ્લિક હેલ્થ બાયલોઝ (Public Health By-laws) મુજબ નિયમભંગ કરવા બદલ જવાબદાર એજન્સી પાસેથી રૂ. ૪૦,૦૦૦/- ની દંડકીય વસૂલાત કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સંબંધિત એજન્સીને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં કોઈપણ કાર્યક્રમ દરમિયાન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે. જો ફરીવાર આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવશે, તો વધુ કઠોર કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી છે.

