પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે કરાયેલી અભદ્ર ટિપ્પણીઓના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજય સિંહને હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટએ બંને નેતાઓ દ્વારા કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી છે.
અરવિંદ કેજરીવાલે પોતાને કેસથી અલગ કરવાની અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારવાનું નકાર્યું છે. એ જ રીતે આપ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ દાખલ કરેલી અરજી હાઈકોર્ટએ ફગાવી દીધી છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા બંને નેતાઓ સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે.
કરવામાં આવતી ટિપ્પણીઓમાં જવાબદારી જરૂરી
કોર્ટના આ ચુકાદા બાદ હવે કેસની ટ્રાયલ આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે. હાઈકોર્ટના આ નિર્ણયને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. કારણ કે આ કેસ સીધો પ્રધાનમંત્રીની પ્રતિષ્ઠા અને શૈક્ષણિક વિગતો સાથે જોડાયેલો છે.કાનૂની નિષ્ણાતોના મતે, હાઈકોર્ટના આ ચુકાદાથી સ્પષ્ટ મેસેજ જાય છે કે જાહેર મંચ પરથી કરવામાં આવતી ટિપ્પણીઓમાં જવાબદારી જરૂરી છે. હવે આગામી તબક્કામાં ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી આગળ વધશે.
મહત્વનું છે કે વર્ષ 2023થી વિપક્ષ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રીને લઇને આરોપો લગાવવામાં આવી રહ્યા છે.