- ISRO PSLV-C62 Mission માં મોટો વળાંક: સ્પેનિશ સેટેલાઈટ બચી ગયું
- PSLV-C62 મિશન ફેઈલ થયા બાદ પણ મિરેકલ સર્જાયો
- સ્પેનિશ કંપનીનું KID કેપ્સ્યુલ ભયાનક ગરમીમાં સુરક્ષિત રહ્યું
- અંતરિક્ષમાંથી વાતાવરણમાં પ્રવેશતા સતત 3 મિનિટ ડેટા મોકલ્યો
- ભવિષ્યમાં સેટેલાઈટ રિપેરિંગ ટેકનોલોજી માટે મોટી સફળતા
ISRO PSLV-C62 Mission : ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) માટે વર્ષ 2026ની શરૂઆત આંચકાજનક રહી હતી.
12 જાન્યુઆરીના રોજ લોન્ચ કરવામાં આવેલું PSLV-C62 મિશન ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ જાહેર કરવામાં આવ્યું હતું. રોકેટ દિશા ભટકી જતાં ઈસરોએ માની લીધું હતું કે તમામ 16 સેટેલાઈટ્સ નષ્ટ થઈ ગયા છે. પરંતુ, હવે આ નિષ્ફળ મિશનમાં એક અત્યંત આશ્ચર્યજનક અને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ISRO PSLV-C62 Mission : અસંભવને સંભવ બનાવતું ‘KID’ કેપ્સ્યુલ
સ્પેનિશ સ્ટાર્ટઅપ ‘ઓર્બિટલ પેરાડાઈમ’ એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તેમનું ‘કેસ્ટ્રેલ ઇનિશિયલ ડેમોન્સ્ટ્રેટર’ (KID) કેપ્સ્યુલ આ વિનાશક દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયું છે. ફૂટબોલના આકારનું આ 25 કિલોનું પ્રોટોટાઈપ રોકેટના ચોથા તબક્કાથી અલગ થવામાં સફળ રહ્યું હતું. એટલું જ નહીં, પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ (Re-entry) કરતી વખતે જે ભયાનક ગરમી અને દબાણ સર્જાય છે, તેને સહન કરીને આ કેપ્સ્યુલે પૃથ્વી પર મહત્વનો ડેટા મોકલ્યો છે.
વૈજ્ઞાનિક ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સફળતા
કંપનીએ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે KID કેપ્સ્યુલ અલગ થયા બાદ સતત 3 મિનિટથી વધુ સમય સુધી ડેટા મોકલતું રહ્યું હતું. દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં ખાબકતા પહેલા આ સેટેલાઈટે અત્યંત ઊંચા તાપમાન અને ગુરુત્વાકર્ષણ ભારને સહન કર્યો છે, જે સામાન્ય રીતે મોટાભાગના સેટેલાઈટ્સને તોડીને રાખ કરી દે છે. ફ્રેન્ચ ભાગીદાર RIDE સાથે વિકસિત આ ટેકનોલોજી ભવિષ્યમાં સેટેલાઈટ્સના રિપેરિંગ અને તેને સુરક્ષિત રીતે ભ્રમણકક્ષામાંથી બહાર કાઢવા માટે ગેમ-ચેન્જર સાબિત થશે
ગેમ-ચેન્જર સાબિત થશે આ સફળતા
નિષ્ણાતોના મતે, ‘KID’ કેપ્સ્યુલની આ સફળતા માત્ર એક અકસ્માત નથી, પરંતુ અંતરિક્ષ વિજ્ઞાન માટે એક ક્રાંતિકારી વળાંક છે. આ ટેકનોલોજી સાબિત કરે છે કે ભવિષ્યમાં જ્યારે કોઈ સેટેલાઈટ ખરાબ થઈ જાય અથવા તેની અવધિ પૂર્ણ થાય, ત્યારે તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછું લાવી શકાશે અથવા અવકાશમાં જ તેનું રિપેરિંગ શક્ય બનશે. આનાથી ‘સ્પેસ જંક’ (અંતરિક્ષમાં જમા થતો કચરો) ની સમસ્યાનો ઉકેલ લાવવામાં મોટી મદદ મળશે. ઓર્બિટલ પેરાડાઈમ હવે આ ડેટાનો ઉપયોગ કરીને તેમના આગામી મોટા મિશનની તૈયારી કરી રહ્યું છે, જે અંતરિક્ષ પ્રવાસન અને સુરક્ષિત કાર્ગો ડિલિવરી માટે માર્ગ મોકળો કરશે.