ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત: અમિત શાહ

Spread the love

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ-4” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો.

 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે.

પુણે બાદ દેશની આ માત્ર બીજી ઉચ્ચ સ્તરીય લેબ છે, પરંતુ રાજ્ય સરકારની વિશેષ પહેલથી રૂ. 362 કરોડના ખર્ચે નિર્માણ પામનારી આ દેશની પ્રથમ BSL-4 લેબ બનશે. ભવિષ્યમાં આ લેબ જીવલેણ વાયરસો સામે લડવા માટે ભારતનું અભેદ સુરક્ષા કવચ અને જૈવ સુવિધાનો મજબૂત કિલ્લો પૂરવાર થશે.

 

અમિત શાહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય કક્ષાની આ લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકોના દ્વાર ખોલશે. ખાસ કરીને પશુઓમાંથી માણસોમાં ફેલાતી બીમારીઓને અટકાવવા માટે વડાપ્રધાનએ શરૂ કરેલા “વન હેલ્થ મિશન”ને આ લેબથી વેગ મળશે. તાજેતરમાં ગુજરાતે અનુભવેલા ચાંદીપુરા અને લમ્પી સ્કીન ડીઝીસ જેવા સંકટો સામે આ પ્રકારની રીસર્ચ આધારિત કાયમી સુરક્ષા વ્યવસ્થા અનિવાર્ય હતી.

 

ભારતના બાયો ટેકનોલોજી ક્ષેત્રમાં આવેલા ક્રાંતિકારી પરિવર્તનના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું કે, છેલ્લા 11 વર્ષમાં બાયો-ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ થઈ છે. વર્ષ 2014માં ભારતની બાયો-ઈકોનોમી જે 10 બિલિયન ડોલર હતી, તે વર્ષ 2024 સુધીમાં વધીને 166 બિલિયન ડોલરને પાર પહોંચી છે. સંશોધનને ‘આવિષ્કારનો આત્મા’ ગણીને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી માળખાકીય સુવિધાઓને કારણે આજે ભારતના વૈજ્ઞાનિકો અત્યંત સુરક્ષિત વાતાવરણમાં વિશ્વસ્તરીય સંશોધનો કરી રહ્યા છે.

 

ગૃહ મંત્રીએ સ્ટાર્ટઅપ અને રોકાણના ક્ષેત્રે થયેલી વૃદ્ધિ પર પ્રકાશ પાડતા કહ્યું કે, વર્ષ 2014માં આ ક્ષેત્રે 500થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ હતા, જે આજે 10,000થી વધુ થયા છે. તેવી જ રીતે, ઇન્ક્યુબેટર્સની સંખ્યા 6 થી વધીને 95 અને ઇન્ક્યુબેસન સ્પેસ 60 હજાર સ્ક્વેર ફૂટથી વધીને 9 લાખ સ્ક્વેર ફૂટ થઈ છે. નોંધપાત્ર રીતે, પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ રૂ. 10 કરોડથી વધીને રૂ. 7000 કરોડ સુધી પહોંચ્યું છે અને પેટન્ટ ફાઈલિંગની સંખ્યા પણ ૧125થી વધીને 1300ને પાર કરી ગઈ છે, જે દર્શાવે છે કે ભારતના યુવાનો હવે ‘જોબ શિકર’ નહીં પણ ‘જોબ ગીવર’ બન્યા છે.

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે BSL-4 લેબ કાર્યરત થવાથી હાઈ રીસ્ક વાઈરસ પર રાજ્યમાં સંશોધન શક્ય બનાવાથી સમયસર, ચોક્કસ અને વિશ્વસનીય નિદાન ઉપલબ્ધ થશે તેમજ આરોગ્ય તંત્ર વધુ સશક્ત અને સજ્જ બને તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

 

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે જી.બી.આર.સી. માત્ર સંશોધન સંસ્થાન જ નહીં પરંતુ રાજ્યની બાયોટેક કેપેસિટીનું નોડલ સેન્ટર પણ છે તેની ભૂમિકા આપતા કહ્યું કે, BSL-4 લેબમાં જે સંશોધન થશે તે સીધું નિદાન, સારવાર અને જાહેર સ્વાસ્થ્યની નીતિઓમાં પરિવર્તિત થનારું ટ્રાન્સલેશન રિસર્ચ બનશે.

 

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ભારતનો ઇતિહાસ અને ભૂગોળ બદલવામાં જેમ મહાત્મા ગાંધી, સરદાર પટેલનું યોગદાન રહ્યું છે, તેમ આધુનિક ભારત અને ગુજરાતનું ભાગ્ય બદલવાનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે કર્યું છે.

સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ, ભારતના લોકોની આસ્થા મિટાવી સહેલી નથી, સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છેઃ અમિત શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *