રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ નજીક એક ફેક્ટરી પર દરોડા પાડ્યા. ડૉ. કિરોડી લાલ મીણા રાત્રે 11:15 વાગ્યે પહોંચ્યા હતા અને રસાયણો ભેળવીને કૃત્રિમ ઘી બનાવતી એક ફેક્ટરી પકડી પાડી હતી. આ દરમિયાન 2 ટેન્કર નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું. પોલીસ , CMHO દૌસા અને ખાદ્ય વિભાગની એક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.
મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ દૌસા-ભરતપુર જિલ્લાની સીમા પર સ્થિત દાઉજી મિલ્ક ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીમાં રાત્રે દરોડા પાડ્યા અને નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ગંભીર ખાદ્ય સુરક્ષા ઉલ્લંઘનોનો પર્દાફાશ થયો. એવું જાણવા મળ્યું કે દૂધ આધારિત ઉત્પાદનો ઘી, માવા અને દૂધથી નિર્મિત અન્ય ઉત્પાદનો સહિત સંપૂર્ણપણે નકલી અને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી રહ્યા હતા. આ ઉત્પાદનો નિરમાનમા અસ્વીકૃત, હલકી ગુણવત્તાવાળા અને હાનિકારક ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા હતા, જેનાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થઈ રહ્યા હતા.
કિરોડી લાલ મીણાએ મીડિયાને જણાવ્યું હતું કે, આ કૃત્ય ન માત્ર ખાદ્ય સુરક્ષા કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે, પરંતુ માનવીય સંવેદનાઓ અને નૈતિક મૂલ્યોનું ઘોર અપમાન પણ છે. રાજ્ય સરકાર જરૂરી પગલાં લેશેઅને જવાબદારી નક્કી કર્યા બાદ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આગ્રા અને બિહારથી અહીં દૂધ લાવવામાં આવી રહ્યું છે, જે યુરિયા ખાતર અને કેમિકલથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ દૂધમાંથી નકલી ઘી બનાવવામાં આવી રહ્યું છે. ઘી બનાવવામાં વપરાતા રસાયણોના ડ્રમ માટીના ઢગલા નીચે દબાવીને રાખવામાં આવ્યા હતા, જેને કિરોડી લાલ મીણાએ JCBની મદદથી કઢાવ્યા. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત લોકોનું માથું ફરી ગયું. ઘટનાસ્થળે ઘણી અલગ-અલગ કંપનીઓના પેકેટ પણ મળી આવ્યા હતા.
આખી કાર્યવાહી દરમિયાન CMHO અને પોલીસ ઘટનાસ્થળ પર હાજર રહ્યા હતા. ઘટનાસ્થળ પરથી વિવિધ બ્રાન્ડ નામો હેઠળ પેક કરાયેલા ડઝનબંધ ઉત્પાદનો પણ મળી આવ્યા હતા. ફેક્ટરીમાં અનેક શંકાસ્પદ રસાયણોવાળા ડ્રમ અને બેગ મળી આવ્યા હતા. દુર્ગંધ મારતા લિક્વિડથી ભરેલા ડ્રમ દબાયેલા મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગના બે નિરીક્ષકોની એક ટીમે નમૂના એકત્રિત કર્યા છે. ફેક્ટરી કેમ્પસમાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, આ કાર્યવાહી રાત્રે 1:00 વાગ્યા સુધી ચાલુ રહી.