કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે મસ્કતના પોર્ટ સુલતાન કાબૂસ ખાતે INSV કૌન્ડિન્યના ક્રૂનું સ્વાગત કર્યું
સર્વાનંદ સોનોવાલે દરિયાઈ સહયોગ પર ઓમાનના પરિવહન અને IT મંત્રી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી
સોનોવાલે દરિયાઈ સંબંધોને ગાઢ બનાવવા માટે ભારત-ઓમાન ગ્રીન શિપિંગ કોરિડોરની દરખાસ્ત મૂકી
મસ્કત
પરંપરાગત રીતે નિર્મિત અને ટાંકા લઈને (stitched) બનાવેલા સઢવાળા જહાજની આ સફર બંને દેશો વચ્ચેના ઊંડા દરિયાઈ, સાંસ્કૃતિક અને સભ્યતાના સંબંધોને ઉજાગર કરે છે જે 5,000 વર્ષથી વધુ જૂના છે. તે મહાસાગરોની એ ભૂમિકાને પણ રેખાંકિત કરે છે જેણે સદીઓથી ભારત અને ઓમાન વચ્ચે સતત સંપર્ક જાળવી રાખવામાં મદદ કરી છે. આ અભિયાનનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે બંને દેશો રાજદ્વારી સંબંધોના 70 વર્ષની ઉજવણી કરી રહ્યા છે.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ માત્ર એક સફરની ઉજવણી નથી, પરંતુ સભ્યતાના ઊંડા સંબંધોની ઉજવણી છે. મસ્કતમાં આ જહાજનું આગમન ભારત-ઓમાનની સ્થાયી મિત્રતાનું પ્રતીક છે જે સમયની કસોટી પર ખરી ઉતરી છે અને જે ઇતિહાસમાં અંકિત છે, વેપારથી સમૃદ્ધ છે અને પરસ્પર સન્માનથી મજબૂત છે. INSV કૌન્ડિન્ય એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિઝનરી નેતૃત્વનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ભારતની પ્રાચીન જહાજ નિર્માણ કળાને પુનર્જીવિત કરવાનો અને તેને વિશ્વ સમક્ષ ગર્વથી રજૂ કરવાનો તેમનો સંકલ્પ હતો.”
પ્રખ્યાત ભારતીય નાવિક કૌન્ડિન્યના નામ પરથી રાખવામાં આવેલું આ જહાજ ભારતનું સ્વદેશી દરિયાઈ જ્ઞાન, કારીગરી અને ટકાઉ જહાજ નિર્માણ પદ્ધતિઓનું પ્રદર્શન કરે છે. આ પ્રોજેક્ટની કલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી અને નૌકાદળના આર્કિટેક્ટ્સ, પુરાતત્વવિદો, પરંપરાગત જહાજ નિર્માણ ડિઝાઇનરો અને માસ્ટર શિપરાઇટ્સના સહયોગથી ભારતીય નૌકાદળ દ્વારા તેને સાકાર કરવામાં આવ્યો છે. અજંતાની ગુફાઓના ચિત્રોમાં દર્શાવેલ પાંચમી સદીના જહાજથી પ્રેરિત થઈને, INSV કૌન્ડિન્ય પ્રાચીન ભારતીય જહાજ નિર્માણ તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે, જેમાં આધુનિક ખીલા અથવા ધાતુના જોડાણો વિના ‘સ્ટીચ્ડ-પ્લેન્ક’ (stitched-plank) બાંધકામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
બંદર પર આયોજિત સ્વાગત સમારોહમાં ઓમાનના હેરિટેજ અને ટુરિઝમ મંત્રાલયના પર્યટન સચિવ મહામહિમ અઝાન અલ બુસૈદી, ભારતીય નૌકાદળ, રોયલ નેવી ઓફ ઓમાન, રોયલ ઓમાન પોલીસ કોસ્ટ ગાર્ડ અને અન્ય મંત્રાલયોના વરિષ્ઠ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ સહિત તમામ વર્ગના વિશાળ ભારતીય સમુદાયે ઉત્સાહપૂર્વક જહાજનું સ્વાગત કર્યું હતું. સત્તાવાર સ્વાગત સમારોહ દરમિયાન પરંપરાગત ભારતીય અને ઓમાની સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયા હતા.તેમની મુલાકાત દરમિયાન, કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે ઓમાનના પરિવહન, સંચાર અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી મહામહિમ એન્જિનિયર સઈદ બિન હમૂદ બિન સઈદ અલ મવાલી સાથે દ્વિપક્ષીય બેઠક પણ યોજી હતી, જેમાં બંને નેતાઓએ બંને રાષ્ટ્રો વચ્ચે દરિયાઈ સહયોગ વધારવા અંગે ચર્ચા કરી હતી.
સર્વાનંદ સોનોવાલે ઓમાની કંપનીઓ માટે ભારતના ઝડપથી વિકસતા બંદર અને દરિયાઈ ક્ષેત્રમાં ભાગ લેવાની નોંધપાત્ર તકો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે ભારતના અગ્રણી બંદર-આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ફ્રેમવર્ક હેઠળ રોકાણ માટે આકર્ષક માર્ગો પ્રદાન કરે છે. આમાં મહારાષ્ટ્રમાં વધાવણ બંદર પ્રોજેક્ટ, જે આશરે $9 બિલિયનના રોકાણ અને 23 મિલિયન TEUs ની આયોજિત ક્ષમતા ધરાવે છે, અને તમિલનાડુમાં ટ્યુટીકોરિન આઉટર હાર્બર પ્રોજેક્ટ, જે $1.3 બિલિયનના મૂલ્યનો અને 4 મિલિયન TEUs ની ક્ષમતા ધરાવે છે, તેનો સમાવેશ થાય છે.
સોનોવાલે જહાજ નિર્માણ ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતના $8.4 બિલિયનના દરિયાઈ વિકાસ પેકેજની પણ રૂપરેખા આપી હતી. આ પહેલ શિપબિલ્ડિંગ ક્લસ્ટરો બનાવવા, શિપબિલ્ડિંગ-આધારિત ઔદ્યોગિકીકરણ, સમર્પિત સંશોધન અને વિકાસ સહાય અને મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે ભવિષ્યના સહયોગના મુખ્ય ક્ષેત્ર તરીકે ભારત અને ઓમાન વચ્ચે ગ્રીન શિપિંગ કોરિડોર (Green Shipping Corridor) ની સ્થાપના કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.
મંત્રીએ દરિયાઈ વારસા અને સંગ્રહાલયો પર ભારત અને ઓમાન વચ્ચેના સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષરને પણ આવકાર્યા હતા, અને નોંધ્યું હતું કે તે સહયોગને ઊંડો બનાવશે અને બંને દેશોના સહિયારા દરિયાઈ ઇતિહાસને વધુ સમૃદ્ધ બનાવશે.ભારત અને ઓમાન બહેતર કનેક્ટિવિટી, ટકાઉ શિપિંગ પહેલ અને બંદરો, જહાજ નિર્માણ અને સીફેરિંગ (દરિયાઈ મુસાફરી) ક્ષેત્રોમાં વધતા સહયોગ દ્વારા દરિયાઈ સંબંધોને મજબૂત કરવાનું ચાલુ રાખે છે.

