
ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે,બાતમીના આધારે પોલીસે નવજીવન મીલની ચાલીમાં આવેલી એક પતરાવાળી ઓરડીમાં દરોડો પાડતા ત્યાંથી યોગેશકુમાર રામચંદ્ર આયલદાસ સિંધી નામનો શખ્સ મળી આવ્યો હતો. ઓરડીની તપાસ કરતા પોલીસને અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1719 બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹3,48,570/- થાય છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપી યોગેશકુમારે કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો લક્ષ્મણજી ઠાકોરે વેચવા માટે મંગાવ્યો હતો અને તેને દારૂ વેચવાના બદલામાં દરરોજ 500 રૂપિયા મહેનતાણું આપવામાં આવતું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાન પાસિંગનો માર્કો ધરાવતી બ્લેન્ડર પ્રાઈડ, રોયલ સ્ટેગ અને મેકડોવેલ્સ જેવી મોંઘી બ્રાન્ડનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે યોગેશકુમાર સિંધીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર લક્ષ્મણજી ઠાકોર પોલીસ રેડ દરમિયાન હાજર મળ્યા ન હતા.આથી કલોલ શહેર પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જિલ્લામાં દારૂની હેરફેર અને વેચાણ ઠેરઠેર જોવા મળી રહ્યું છે. પોલીસ પણ આવા ગુનેગારોને શોધવા સજ્જ થઈ છે.