
સાંતેજ પોલીસ સ્ટેશનની ટીમે લપકામણ ગામે બાતમીના આધારે દરોડો પાડીને એક મકાનના ધાબા પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
14 જાન્યુઆરી 2026ના રોજ પેટ્રોલિંગ દરમિયાન સાંતેજ પોલીસને માહિતી મળી હતી કે લપકામણ ગામના મોટો ઠાકોર વાસમાં રહેતા ભગાજી તલાજી વિશાજી ઠાકોરે પોતાના મકાનના ધાબા પર ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ છુપાવી રાખ્યો છે. આ બાતમીના આધારે સાંજે 4:00થી 4:45 વાગ્યાના સમયગાળા દરમિયાન પંચોની હાજરીમાં મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો.
દરોડા દરમિયાન મકાનના ધાબા પરથી પ્લાસ્ટિકના મીણિયા કોથળામાં છુપાવેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેમાં ગ્રીન લેબલ બ્રાન્ડની 750 એમએલની 53 બોટલો (કિંમત ₹58,300) તેમજ રોયલ સ્ટેજ ડીલક્સ વ્હિસ્કીની 375 એમએલની 17 બોટલો (કિંમત ₹11,050) મળી આવી હતી. આમ કુલ ₹69,350નો દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે.
દરોડા સમયે મુખ્ય આરોપી ભગાજી તલાજી વિશાજી ઠાકોર ઘરેથી ફરાર મળતાં પોલીસે તેની સામે ગુનો નોંધી પકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચેતનાબેન હકાભાઈ ચૌધરી દ્વારા હાથ ધરાઈ છે.