
ગાંધીનગરના શેરથા ગામમાં ગ્રામ પંચાયત તળાવ પાસે આવેલ રાગળી માતાના મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરનું તાળું ખોલી તસ્કરોએ 1.50 લાખના દાગીનાની ચોરી કરી હતી. આ બનાવની વિગત એવી છે કે શેરથા ગામના રહેવાસી પ્રહલાદભાઈ ડાહ્યાભાઇ પરમારના પરિવારનું આ પેઢી દર પેઢીનું મંદિર છે, જ્યાં સેવાપૂજા માટે પૂજારી દિનેશભાઈ ત્રિવેદીને રાખવામાં આવ્યા છે.
પૂજારીએ પ્રહલાદભાઈને ફોન કરીને જાણ કરી હતી કે મંદિરમાંથી માતાજીના છત્ર અને પાદુકાની ચોરી થઈ છે.
પ્રહલાદભાઈએ મંદિરે જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મંદિરના મુખ્ય દરવાજાનું લોક કોઈ રીતે તૂટેલું નહોતું, પરંતુ તે ચાવી વડે ખોલવામાં આવ્યું હોય તેમ જણાયું હતું. જેથી કોઇજાણભેદુ હોવાની શક્યતા પોલીસ સૂત્રોએ વ્યક્ત કરી છે. અજાણ્યા ચોર ઈસમે ગર્ભગૃહમાં પ્રવેશ કરી માતાજીની મૂર્તિ પર ચઢાવેલા 4 ચાંદીના છત્ર (બે મોટા અને બે નાના) તેમજ માતાજીની 2 જોડી ચાંદીની પાદુકાઓની ચોરી કરી હતી. આ ચોરાયેલા અંદાજે 500 ગ્રામ ચાંદીના ઘરેણાંની કિંમત આશરે 1,50,000 રૂપિયા જેટલી થાય છે. આ ઘટના અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 331(3) અને 305(એ) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે