મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કલેકટર કોન્ફરન્સ સંપન્ન
——–
લોકોની રજૂઆતો સાંભળી તેના જિલ્લા સ્તરે ઝડપી અને પ્રામાણિક નિવારણ માટેની વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવા મુખ્યમંત્રીશ્રીની તાકીદ
———
::મુખ્યમંત્રીશ્રી::
* ફિલ્ડ વિઝીટને પ્રાયોરિટી આપીને સરકારની યોજનાઓના અસરકારક અમલીકરણનું મોનિટરિંગ કરો.
* ઓનેસ્ટી-ઇન્ટીગ્રિટી-કોમ્પીટન્સ અને ઈફેક્ટિવનેસના આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરી માટે આહવાન.
* સરકાર તમારી સાથે છે સાચી વ્યક્તિ પરેશાન ન થાય ખોટી વ્યક્તિ કોઈને તકલીફ ઊભી ન કરે તે માટેની સૂઝ બૂઝથી કોઈ ડર રાખ્યા વિના સારા અને નેક કામો માટે જિલ્લા ટીમનું નેતૃત્વ કલેકટરો કરે.
——-

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ તેનું નિવારણ ઝડપી, પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે કલેકટરોને ખાસ તાકીદ કરી હતી.
ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા. તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય આધાર પર સમગ્ર જિલ્લાની કામગીરીનું નેતૃત્વ કરવાનો પણ અનુરોધ કલેકટરોને કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટરોને જણાવ્યું કે, તેમણે જિલ્લાના વડા તરીકેનું જે દાયિત્વ મળ્યું છે તેને નાનામાં નાના માનવીની સમસ્યાના નિરાકરણની જવાબદારી નિભાવીને વહન કરવાની મોટી તક છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું કે, રાજ્યમાં જે સંગીન નાણાંકીય વ્યવસ્થાપન છે તેના કારણે હવે વિકાસ કામોમાં નાણાંની કોઈ તંગી નથી પડતી આ સંજોગોમાં જિલ્લામાં વિવિધ યોજનાઓના ચાલતા વિકાસ કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત થાય તે માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કરીને કલેક્ટરો યોગ્ય નિગરાની રાખે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરોને ટીમવર્કથી અને એકબીજા સાથે ચર્ચા કરીને સાથે મળીને કામ કરવાનું આહવાન કરતા કહ્યું કે, પરિપત્રો-નિયમોનું જિલ્લાઓમાં અલગ અલગ અર્થઘટન ન થાય અને લોકોને પોતાના કામોમાં સરળતા રહે તે માટે જિલ્લા કલેક્ટરો જવાબદારી પૂર્વક કાર્યરત રહે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સરકાર તમારી સાથે છે અને સાચી વ્યક્તિ પરેશાન ન થાય અને ખોટી વ્યક્તિ કોઈને તકલીફ ઉભી ન કરે તે માટેની સુઝ બૂઝથી કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના સારા અને નેક કામો માટે જિલ્લાની ટીમનું નેતૃત્વ કલેકટરોએ કરવાનું છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યુ કે, પ્રાકૃતિક ખેતી સ્વસ્થ જીવનશૌલી માટે અગત્યની છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીનું મિશન ઉપાડ્યુ છે. જિલ્લા કલેક્ટરોને પોતાના જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને આ મિશન પાર પાડવા પણ તેમણે આહવાન કર્યુ હતુ.
મહેસુલ રાજ્ય મંત્રી શ્રી સંજય સિંહ મહિડાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં યોજાઇ રહેલી આ કોન્ફરન્સ મહેસુલ વિભાગની સર્વગ્રાહી કામગીરીને વધુ ગતિ આપશે તેમ જણાવ્યું હતું.
તેમણે જિલ્લા કલેકટરોને જન પ્રતિનિધિઓની રજૂઆતો પર યોગ્ય કાર્યવાહી કરવા સ્વામીત્વ યોજનામાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણમાં ગતિ આપવા તથા જિલ્લા કક્ષાએ પણ ફીડબેક મિકેનિઝમ વધુ સુચારુ બનાવવાના સૂચનો કર્યા હતા. એટલું જ નહીં, ઓનલાઇન કામગીરી માટેના પોર્ટલ્સની સમયાંતરે સમીક્ષા થાય તેવી પણ તેમણે હિમાયત કરી હતી.
મહેસુલ રાજ્યમંત્રીશ્રીએ નવા રચાયેલા તાલુકા મથકોએ લોકોને ઝડપી સેવાઓ મળી રહે તે માટે સરકારી કચેરીઓ ત્વરાએ કાર્યરત થાય તે માટેના અને મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં આગામી સમયમાં જિલ્લા વાઇઝ સમીક્ષા બેઠકો યોજવા માટેના સૂચનો આ બેઠકમાં કર્યા હતા.
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતિ રવિએ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતા જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે મહેસુલી સરળીકરણના લોકહિત પગલાંઓ લીધા છે તેનો લાભ નીચે સુધી પહોંચે તેવું ક્ષમતા નિર્માણ અને તાલીમ જિલ્લાના કર્મયોગીઓને આપવાનું કામ જિલ્લા કલેકટરો ઉપાડી લે.
મુખ્યમંત્રીશ્રીએ તાજેતરમાં જ એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને તાલુકા કક્ષાએ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રિફોર્મ્સની જગ્યાઓ મંજૂર કરી છે તેના પરિણામે જમીનને સ્પર્શતા પ્રશ્નોની પેન્ડન્સી ઘટે તે દિશામાં કલેકટરો ખાસ ધ્યાન આપે તે જરૂરી છે તેમ અધિક મુખ્ય સચિવશ્રીએ ઉમેર્યુ હતુ.
આ કોન્ફરન્સમાં મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, વરિષ્ઠ સચિવો, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે તથા જિલ્લા કલેકટરો અને મહેસુલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ એક દિવસીય પરિષદમાં ખાસ કરીને iORA/E-Dhara, iRCMS, DCLR/ALTના પડતર કેસોની સમીક્ષા અને આરોગ્ય વિભાગ સંબંધિત મુદ્દાઓના ચર્ચા-મંથન કરવામાં આવ્યા હતા.