
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યાવરણને સુરક્ષિત રાખવા અને નાગરિકોને મનોરંજનની ઉત્તમ સુવિધા પૂરી પાડવા માટે સેક્ટર-૦૪ ખાતે તળાવના વિકાસની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે ₹૫.૦૧૫ કરોડના અંદાજિત ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટથી સેક્ટર-૦૪ અને તેની આસપાસના અંદાજે ૧૦૦૦ જેટલા રહીશોને સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટ કુલ ૭૯૬૨.૯૧ ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલો છે, જે પૈકી ૨૩૪૧.૧૫ ચોરસ મીટર વોટર બોડી એરિયા અને ૫૬૨૧.૭૬ ચોરસ મીટર ડેવલોપમેન્ટ એરિયા તરીકે વિકસાવવામાં આવશે.
તળાવના નવીનીકરણની આ કામગીરી ૧૧ માસના નિર્ધારિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવશે અને તેના સુચારૂ સંચાલન માટે સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા આગામી ૫ વર્ષ સુધી નિભાવણી કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નાગરિકોની સુવિધા માટે વોકિંગ એરિયા, સીટીંગ એરિયા અને હરિયાળા લોન એરિયાનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયા, ટોઇલેટ બ્લોક અને વિસ્તારની સુંદરતા વધારવા માટે આકર્ષક સ્કલ્પચર જેવા ઘટકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય જળ સંરક્ષણનો છે, કારણ કે હાલમાં વિશ્વભર સહિત આપણા દેશમાં પણ પાણીની અછત એક વિકટ સમસ્યા બની રહી છે. ખાસ કરીને ભુગર્ભ જળના નીચા જતા સ્તરને સુધારવા માટે સરકારશ્રી દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ અને હયાત જળ સ્ત્રોતોની ક્ષમતા વધારવી અત્યંત આવશ્યક છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પણ આ જ ઉમદા હેતુથી વિવિધ વિસ્તારોમાં તળાવ ડેવલોપમેન્ટના કામો હાથ ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે સેક્ટર-૦૪ માં તળાવના નવીનીકરણની કામગીરી કરવામાં આવી છે.