
પંજાબમાં ગાઢ ધુમ્મસનો કહેર યથાવત્ છે. શનિવારે સવારે બઠિંડામાં નેશનલ હાઈવે પર ડિવાઈડર સાથે ફોર્ચ્યુનર કાર અથડાતાં ગુજરાતના વાવ-થરાદ જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ સહિત 5 લોકોનાં મોત થયાં છે. આ અકસ્માત બઠિંડા જિલ્લાના ગુડતડી ગામ પાસે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે ફોર્ચ્યુનર કાર આખેઆખી પડીકું વળી ગઈ હતી. માહિતી મળતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોઈક રીતે કારમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટેલા તમામ લોકો વાવ-થરાદ જિલ્લાના છે. જેમની ઓળખ અમિતાબહેન કરશનભાઈ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર), અરજણભાઇ સુબાભાઇ રાજપૂત (રહે. રાટીલા, દિયોદર), ભરતભાઈ અજાભાઇ રાજપૂત (રહે. અછવાડીયા, લાખણી) જનકભાઈ રાજપૂત (રહે. જેતડા, થરાદ) અને સતીષ તરીકે થઈ છે. તમામની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે છે. દિયોદર તાલુકાના રાટીલા ગામના અમિતાબહેન પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જણાવાયું છે. એસપી નરીન્દર સિંહે જણાવ્યું હતું કે આ તમામ ફોર્ચ્યુનર કારમાં શિમલા ગયાં હતાં. પરત ફરતી વખતે પંજાબના બઠિંડામાં ગાઢ ધુમ્મસને કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી.