
ગાંધીનગર સેક્ટર-25 GIDCમાં સ્થિત બંકાઈ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કંપનીના પૂર્વ ડિરેક્ટર નીરવ મુકેશ શર્મા અને તેના મળતિયાઓએ 2.82 કરોડની માતબર રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસના ચોપડે નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ પોતે સફળ UPSC ઉમેદવાર હોવાનું અને પ્રાચીન ચરક સંહિતા પર આધારિત સંશોધનો કર્યા હોવાનું જણાવી કંપનીના માલિકોનો વિશ્વાસ જીતી પ્લાનિંગથી ઠગાઈ આચરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને ગાંધીનગર સેક્ટર-25 GIDC સ્થિત બંકાઈ ગ્રુપમાં વાઈસ પ્રેસિડેન્ટ રીતેશભાઈ જનકભાઈ ભટ્ટે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2022માં મુખ્ય સૂત્રધાર નીરવ મુકેશ શર્મા (રહે .147, સહકાર કોલોની, એલ.ડી.પી. એન્જિનિયરિંગ કોલેજ પાસે, સેક્ટર-25) એ પોતાની જાતને એક સફળ IAS ઉમેદવાર અને અનેક વૈશ્વિક પેટન્ટ ધરાવતા સંશોધક તરીકે રજૂ કરી બંકાઈ ગ્રુપના ચેરમેન બંકીમ બ્રહ્મભટ્ટને FMCG સેક્ટરમાં રોકાણ કરવા લલચાવ્યા હતા.
બાદમાં નીરવ શર્માએ રૂ. 120 કરોડનું રેવન્યુ પ્રોજેક્શન આપી કંપનીમાં 30 ટકા નફાની ખાતરી આપી હતી. જેના આધારે કંપનીએ તેમની સાથે કરાર કરી તેમને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યો હતો. ત્યારે નીરવ શર્મા અને સેલ્સ હેડ વિપુલ કામદારે (રહે.એ-504, સાનિધ્ય સ્કાયરોસ, કૌશલમ રેસિડેન્સી નજીક, ગોતા રેલ્વે ટ્રેક, ગોતા) પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની માતા અને પત્નીના નામે ‘નિવ ઇનોવેશન’ નામની ફર્મ બનાવી હતી. આ ફર્મ મારફતે બાપુનગરની એક ટ્રેડિંગ કંપની પાસેથી રૂ. 83.27 લાખનું રો-મટેરિયલ ખરીદ્યું હતું.
ત્યારબાદ આ જ કાચો માલ પોતાના મળતિયાઓની અન્ય ફર્મ જેવી કે જે.એમ. ઈમ્પેક્સ અને આર.ડી. ટ્રેડિંગ (મીઠાખળી) મારફતે બંકાઈ ઇનોવેશન્સ કંપનીને રૂ. 3.65 કરોડમાં વેચવામાં આવ્યો હોવાનું બતાવાયું હતું. આમ, માત્ર કાગળ પર ઊંચા ભાવ બતાવીને આરોપીઓએ રૂ. 2.82 કરોડની ઉચાપત કરી હતી.
આ કૌભાંડમાં નીરવ શર્માની પત્ની, માતા સહિત અન્ય મળતિયાઓમાં અન્ય એક મહિલા, વિપુલ કામદાર, કુંતલ જશવંતલાલ શાહ (રહે.નંદિગ્રામ સોસાયટી પાર્ટ-1, નારણપુરા) અને મનોજકુમાર પ્રેમપ્રકાશ નોગિયાના (રહે .સૂર્યનગર સોસાયટી, વિભાગ-1, નવા ઢોર બજાર ચાર રસ્તા, બહેરામપુરા) નામો પણ આરોપી તરીકે સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કૌભાંડ બાબતે કંપનીના આંતરિક ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે માસિક રૂ. 80 લાખના જંગી ખર્ચ સામે વાર્ષિક વેચાણ માત્ર રૂ. 5 કરોડનું જ હતું. જે પ્રોજેક્શન કરતા ઘણું ઓછું હતું. તો મુખ્ય સૂત્રધારે કંપનીની ગુપ્ત પ્રોડક્ટ ફોર્મ્યુલા અન્ય કંપનીઓને વેચી કંપનીને અંદાજે રૂ. 25 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.