કંપનીના ડાયરેક્ટર બની અન્ય કંપની ખોલી, માલિકો સાથે 25 કરોડની છેતરપિંડી આચરી

Spread the love

 

 

ગાંધીનગર શહેરના સેક્ટર-25 જીઆઇડીસી વિસ્તારમાં આવેલી કંપનીના માલિકોનો વિશ્વાસ જીતીને ડાયરેક્ટરની પોસ્ટ મેળવી પેરેલલ પોતાની કંપનીઓ ઉભી કરીને કંપની સાથે 25 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
સેક્ટર-25 જીઆઈડીસીમાં કાર્યરત બંકાઈ ગ્રુપના લીગલ ડિપાર્ટમેન્ટના વાઇસ પ્રેસિડેન્ટ રિતેશભાઈ જનકભાઈ ભટ્ટ દ્વારા સીઆઈડી ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, કંપનીના ડાયરેક્ટર નીરવ મુકેશ કુમાર શર્મા અને તેના મળતિયાઓએ મળીને વ્યવસ્થિત કાવતરું રચી કંપનીને આર્થિક ચૂનો લગાવ્યો છે. નીરવ શર્માએ વર્ષ 2022માં એફએમસીજી ક્ષેત્રના નિષ્ણાત અને 159 જેટલા પેટન્ટ હોવાના દાવા કરી બંકાઈ ગ્રુપના માલિક બંકીમ બ્રહ્મભટ્ટનો વિશ્વાસ જીત્યો હતો, તેણે વાર્ષિક 120 કરોડના ટર્નઓવરની ખાતરી આપી બંકાઈ ઈનોવેશન્સ અને કેટલ લાઈફ કેર જેવી કંપનીઓમાં મહત્વનું પદ મેળવ્યું હતું. જોકે, ડાયરેક્ટર તરીકેની સત્તા મળ્યા બાદ તેણે પોતાના સેલ્સ હેડ વિપુલ કામદાર અને અન્ય સાથીદારો સાથે મળીને કંપનીના નાણાં સગેવગે કરવાનું શરૂ કર્યું હતું.
આ કૌભાંડની પદ્ધતિ ખૂબ જ ચાલાકીપૂર્વક ઘડવામાં આવી હતી, જેમાં નીરવ શર્માએ આર.ડી. ટ્રેડિંગ અને જે.એમ. ઈમ્પેક્સ જેવી બોગસ પેઢીઓ ઊભી કરી હતી. આ પેઢીઓ મારફતે તેણે કંપની માટે કાચો માલ ખરીદ્યો હોવાના ખોટા બિલો રજૂ કર્યા હતા, વાસ્તવિકતામાં જે માલ 83.23 લાખમાં ખરીદાયો હતો, તેના બિલો 3.65 કરોડ જેટલા ઉંચા બનાવીને તફાવતની 2.82 કરોડની રકમ સગેવગે કરી લીધી હતી,આટલું જ નહીં, નીરવ શર્માએ કંપનીના સંસાધનોનો ઉપયોગ કરીને ‘ બી નેચર’ (Be Nature) નામની પોતાની અલગ બ્રાન્ડ માર્કેટમાં ઉતારી દીધી હતી, જેનાથી બંકાઈ ગ્રુપના હિતોને મોટું નુકસાન પહોંચ્યું હતું, જ્યારે કંપનીએ આંતરિક ઓડિટ કરાવ્યું ત્યારે જણાયું કે નીરવ શર્માના ગેરવહીવટ અને છેતરપિંડીને કારણે કંપનીને અંદાજે 25 કરોડ રૂપિયાનું કુલ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
હાલમાં પોલીસે નીરવ શર્મા, તેની પત્ની, માતા અને અન્ય સાથીદારો વિરુદ્ધ ગુનાહિત કાવતરું અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. કંપનીમાં ડાયરેક્ટરની પોસ્ટ મેળવી પોતાની પૈરેલલ કંપની ઊભી કરી 25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરાતા સીઆઇડી ક્રાઇમે તપાસ શરૂ કરી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે નીરવ શર્માએ તેની પત્ની જ્યોતિબેન અને માતા જયશ્રીબેનના નામે ‘ નિવ ઈનોવેશન’ નામની પેઢી બનાવી હતી અને તેના માધ્યમથી કંપનીના ઓર્ડરો ડાયવર્ટ કર્યા હતા. કંપની દ્વારા કરાયેલી ફરિયાદમાં તેની માતા અને પત્નીને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *