5 કલાક ઓપરેશન કરી નવજીવન:ચાઇનીઝ દોરીથી શ્વાસનળી અને મુખ્ય નસ કપાઇ, 17 ટાંકા લઈ જીવ બચાવ્યો

Spread the love

 

ઉત્તરાયણના બીજા દિવસે બાઇક પર પસાર થઇ રહેલા યુવાનના ગળામાં ચાઇનીઝ દોરી ફસાવાથી તેની શ્વાસનળી અને લોહીની મુખ્ય નસ કપાઇ જવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા યુવાનને ગાંધીનગર સિવિલમાં જટીલ સર્જરી કરીને તબિબોએ જીવતદાન આપ્યું છે. સિવિલના ઇમરજન્સી અને ઇએનટી વિભાગના તબિબોએ સંયુક્ત રીતે 5 કલાક સુધી આ જટીલ ઓપરેશન કર્યું હતું. ગુરૂવારે એસજી હાઇવે પર બાઇક પર જઇ રહેલા યુવાનને ગળાના ભાગે પતંગની દોરી વાગતાની સાથે જ યુવાન બાઈક પરથી નીચે પટકાયો હતો. દોરી ઘસાવાથી ગળામાં 12 સેન્ટિમીટર લાંબો ઘા પડ્યો હતો, આ ઇજામાં શ્વાસનળી તેમજ થાયરોઇડની આજુબાજુ આવેલી લોહીની મુખ્ય નસ કપાઈ જતાં ભારે માત્રામાં લોહી વહી ગયુ હતુ.
અકસ્માતમાં ચહેરા અને હાથ સહિત શરીરના અન્ય ભાગોમાં પણ ઇજાઓ પહોંચી હતી, ગંભીર હાલતમાં યુવાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે ગળામાંથી લોહીના ફુવારા છૂટતા હતા, બંને તરફની લાળ ગ્રંથીઓ તથા થાઈરોઈડ ગ્રંથિ અને હાયોઇડ હાડકાની મધ્યમાં હોતો પડદો કપાઇ ગયો હતો તેમજ તેની આસપાસ અનેક નાની મોટી ધમનીઓ તથા શીરાઓમાંથી લોહી વહેતું જોવા મળ્યું હતું, અને યુવાન જીવન-મરણની સ્થિતિમાં હતો.
સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના ડો. તરલીકા અને ઇએનટી વિભાગના ડો. યોગેશ ગજ્જર સહિત 8 ડોક્ટરોની વિશેષ ટીમે બપોરે 1:30 વાગ્યાથી સાંજે 6:50 વાગ્યા સુધી પાંચ કલાક સુધી ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન કુલ 17 ટાંકા લેવામાં આવ્યા હતા. ડૉક્ટરના જણાવ્યા અનુસાર કેસ અત્યંત ક્રિટિકલ હોવા છતાં સમયસર અને યોગ્ય સારવારથી યુવાનનું જીવન બચાવી શકાયું છે. હાલ યુવાનને ICUમાં દાખલ કરી સતત તબીબી દેખરેખ હેઠળ રખાયો છે.
ડૉક્ટરોએ જણાવ્યું કે ગળાની શ્વાસનળી આસપાસ ગંભીર ઇજા તથા લોહીની નસ કપાઈ જવાથી શ્વાસ ફેફસાં સુધી પહોંચાડવા માટે બહારથી શ્વાસની નળી મૂકવી અનિવાર્ય હતી. જોકે, ગળાની ગંભીર ઇજાને કારણે નળી મૂકવાની પ્રક્રિયા સૌથી મુશ્કેલ હતી. જો સમયસર શ્વાસ માટે નળી ન મૂકાઈ હોત તો દર્દીનું જીવન ગંભીર સંકટમાં પડી શક્યું હોત.
સારવાર દરમિયાન એક સમયે તેનું હૃદય પણ બંધ પડી ગયું હતું, જેના બાદ તબિબોની ટીમ દ્વારા તાત્કાલિક CPR અને ડિફિબ્રિલેશન (ઇલેક્ટ્રિક શોક) આપી હૃદય ફરી કાર્યરત કરવામાં આવ્યું હતું. આ યુવાનને કુશળતાપૂર્વકની સારવાર મળી જતાં તે મોતના મુખમાંથી પાછો ફર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *