
ગાંધીનગરમાં એકતરફ દૂષિત પાણીથી ફેલાયેલો ટાઇફોઇડનો રોગચાળો માંડ નિયંત્રણમાં આવી રહ્યો છે બીજીતરફ શહેરમાં પાણીની લાઇનોમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. સેક્ટર-5માં ખોડીયાર માતાજીના મંદિર પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન પાણીની મેઇન લાઇન તોડી નાંખવામાં આવી છે. હાલ તંત્ર રોગચાળાના પગલે રોજેરોજ લિકેજ શોધી રહ્યું છે તેવા સમયે જ પાણીની મેઇન લાઇનમાં મોટું ભંગાણ પડ્યું છે.
છેલ્લા એક મહિનામાં જ આ 10મું મોટું ભંગાણ છે. વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવે આડેધડ કામગીરી થઇ રહી છે જેનું આ પરિણામ છે. ડ્રેનેજ લાઇનની કામગીરી અંતિમ તબક્કામાં છે છતાં જ્યાં કામ ચાલી રહ્યું છે તે વિસ્તારના લોકોને અને પાણી વિતરણ જેવી મહત્વની કામગીરીને વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જેસીબીથી ખોદકામ ચાલું હતું ત્યારે 200 ડાયામીટરની પાણીની મેઇન લાઇન જ તોડી નાંખવામાં આવી હતી.
આ ભંગાણ પડ્યું ત્યારે 24 કલાક પાણીની યોજના હેઠળ અંદાજે 3 લાખ લિટરના પ્રેશરથી પાણી છોડવામાં આવી રહ્યું હતું. લાઇન તૂટતાં ફુવારા સાથે પાણી વહી ગયું હતું. ખોદકામ કરનારી એજન્સી દ્વારા પહેલા પાટનગર યોજના વિભાગ અને ત્યારબાદ પાણી પુરવઠા તંત્રને જાણ કરવામાં આવી હતી. પાણીનો સપ્લાય બંધ કરવામાં આવે તે પહેલા જ લાખો લિટર પાણી વ્યર્થ વહી ગયું હતું.
શહેરના નવા સેક્ટરોમાં પાણીની લાઇન બદલાઇ નથી અને 40 વર્ષ જૂની લાઇનમાં જ 24 કલાકની યોજના હેઠળ પ્રેશરથી પાણી આપવામાં આવી રહ્યું છે. અત્યારસુધી આ લાઇનમાં ગ્રેવિટીથી પાણી અપાતું હતું જ્યારે હવે પ્રેશર આપવામાં આવતાં દરરોજ 8થી 10 જેટલા લિકેજ અલગ અલગ જગ્યાએ પડી રહ્યા છે. જેને કારણે રોજેરોજ લિકેજ રીપેરીંગની કામગીરી ચાલી રહી છે. જૂના સેક્ટરોમાં પાઇપલાઇન નવી નંખાઇ છે જ્યારે નવા સેક્ટરોમાં જૂની લાઇનમાં પ્રેશરથી પાણી આપવાનો નિર્ણય લેવાયો છે. જોકે, લિકેજનો સીલસીલો અટકે તેમ લાગતું નથી. જાણકારોના મતે નવા સેક્ટરોમાં હાલની પાઇપ 40 વર્ષ જૂની કાસ્ટ આયર્નની પાઇપ છે. તેના જોઇન્ટમાં સીસુ હોય છે. જ્યારે પ્રેશરથી પાણી પસાર થાય ત્યારે દબાણને કારણે સીસુ ખસી જાય છે જેથી જોઇન્ટમાંથી લિકેજના પ્રશ્ન ઉદભવે છે. લિકેજ લાંબો સમય રહે તો દૂષિત પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા પણ રહે છે. મેઇન લાઇનમાં ભંગાણ થતાં તાત્કાલિક ધોરણે રીપેરીંગનું કામ ચાલું કરવામાં આવ્યું હતું પરંતુ મેઇન લાઇન હોવાથી અને રીપેરીંગમાં સમય લાગે તેમ હોવાથી સેક્ટર-5 ઉપરાંત સેક્ટર-3, 4 અને 6માં પાણી પુરવઠો પ્રભાવિત થવાની શક્યતા છે.