
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની ડ્રેનેજ લાઇનની તમામ જવાબદારી સ્વીકારવાની પહેલ તરીકે પ્રથમ તબક્કે સરગાસણ અને જાસપુર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સંચાલનની જવાબદારી સ્વીકારી લેવાઇ છે. 15મી જાન્યુઆરીથી મહાપાલિકા દ્વારા પાટનગર યોજના વિભાગ પાસેથી આ બંને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મશીનરી, મકાન સહિતનો કબજો સંભાળી લેવામાં આવ્યો છે. હવે સરગાસણથી જાસપુર સુધીની 12 કિલોમીટર મેઇન ડ્રેનેજ લાઇનનું પણ સંચાલન મહાપાલિકા દ્વારા કરાશે.
શહેરમાં પાણી વિતરણ, ગટર વ્યવસ્થા અને રસ્તાની કામગીરી પાટનગર યોજના વિભાગ સંભાળી રહ્યું છે. પરંતુ હવે આ જવાબદારી મહાપાલિકાને સોંપવા લાંબા સમયથી આયોજન થઇ રહ્યું છે. 24 કલાક પાણીની યોજના અને નવી ગટરલાઇનની કામગીરી પૂર્ણ થાય તે પછી મહાપાલિકા બંને જવાબદારી સ્વીકારશે તેવું નક્કી થયું હતું.
સેક્ટરોમાં ડ્રેનેજ લાઇનની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે આ કામ પૂર્ણ થઇ જાય અને જોડાણો અપાઇ જાય તે પછી બીજા તબક્કે મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ ડ્રેનેજ લાઇનની જવાબદારી સ્વીકારવામાં આવશે. હાલ કેટલાક સેક્ટરોમાં અને મેઇન રોડ પર એકાદ કિલોમીટરમાં કામગીરી બાકી છે.