
સુરતના ઉધના વિસ્તારમાં ધરતી નમકીનની પાછળ આવેલા એક પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. કારખાનામાં કામ કરી રહેલા શ્રમિકો કંઈ સમજે તે પહેલા આગ પ્રસરી જતાં નાસભાગ મચી ગઈ હતી. આગની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હરકતમાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા 5 અલગ-અલગ ફાયર સ્ટેશનની ટીમોને રવાના કરવામાં આવી હતી. કુલ 8થી વધુ ફાયર ટેન્કરોએ સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયરના જવાનોએ જીવના જોખમે કારખાનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં 5થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગ અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, પરંતુ આગ સંપૂર્ણપણે ઓલવાયા બાદ તપાસ બાદ જ ચોક્કસ કારણ જાણી શકાશે. કારખાનામાં કામ કરતા શ્રમિક રહેમાને જણાવ્યું હતું કે, હું અહીં અંદર કામ કરું છું. અંદર આગ લાગી હતી, ત્યારે હું ત્રણ રસ્તા પાસે ચા પીતો હતો. મને ખબર પડી એટલે મેં આવીને જોયું. અંદર 4થી 5 લોકો ઘાયલ થયા છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. કેટલાક લોકોને 108માં લઈ ગયા છે. ફાયર બ્રિગેડવાળા આવ્યા અને પાણીનો મારો ચલાવ્યો. અહીં અંદર પ્લાસ્ટિકના દાણા બનાવવાનું કામ થાય છે.
દાઝી ગયેલા શ્રમિકની પત્ની સુધા વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, મારા પતિનું નામ લલિત વિશ્વકર્મા છે. માલ કાપતી વખતે ત્યાં બ્લાસ્ટ થયો અને આવું થઈ ગયું અને ગોડાઉનમાં આગ લાગી ગઈ. ‘એકે પ્લાસ્ટિક’ છે. 8 વાગ્યે તેઓ કામ પર ગયા હતા અને ત્યાં બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ કેવી રીતે થયો તે મને નથી ખબર, એ તો હવે એ જ લોકોને ખબર હશે. અમે પણ ત્યાં જ કામ કરતા હતા પણ અમે નીચેના ભાગમાં હતા. આ લોકો ઉપર માલ કાપી રહ્યા હતા. કંપનીમાં તો ઘણા બધા લોકો કામ કરે છે, પણ કટિંગમાં 5-6 લોકો જ હતા.
સબ ફાયર ઓફિસર રોહિત ખલાસીએ જણાવ્યું હતું કે, ઉધના ઉદ્યોગનગર રોડ નંબર 3 ખાતે આગની ઘટના બની હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી છે એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો. એટલે ઉધના, માન દરવાજા અને ડિંડોલી-ડુંભાલથી ગાડીઓ રવાના કરી હતી. અહીંયા અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પહેલા માળે આગ ફેલાયેલી હતી. એટલે આવીને આગ અમે તાબડતોબ બુઝાવી નાખી.
ત્રણ-ચાર માણસો દાઝ્યા છે, એવું એમનું કહેવું છે. એટલે એમને પ્રાઇવેટ વાહનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરી દીધા છે.આગ લાગવાનું કારણ તો હાલ જાણવા મળ્યું નથી. આગ પણ બુઝાવી નાખી છે અને ટોટલ કૂલ ડાઉન કરી નાખ્યું છે.