
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ખોટા જન્મ પ્રમાણપત્ર, ખોટા અનફિટ સર્ટિફિકેટ અને વારસાઈ નોકરીના નામે છેતરપિંડીના કિસ્સાઓ ફરી એક વખત સામે આવ્યા છે. વિજિલન્સ તપાસ બાદ નોકરીમાંથી કાઢી મૂકાયેલા અનેક કર્મચારીઓએ હવે અપીલ સબ-કમિટી સમક્ષ પોતાની નોકરી પરત મેળવવા માટે અરજી કરી છે, જેના કારણે કોર્પોરેશનમાં ચર્ચા ગરમાઈ છે. થલતેજ વિસ્તારના સફાઈ કામદાર લીલાબેન આત્મારામ વાઘેલાના પતિ આત્મારામ વાઘેલાએ કાળી નગરપાલિકામાં શારીરિક રીતે અનફિટ હોવાનું ખોટું સર્ટિફિકેટ રજૂ કરી પત્નીને તેમની જગ્યાએ નોકરી અપાવી હતી. બીજી તરફ તેમણે પોતાની માતા ગંગાબેનના વારસદાર તરીકે નારણપુરા વોર્ડમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી મેળવી લીધી હતી. વિજિલન્સ તપાસમાં આ છેતરપિંડી સાબિત થતાં બંનેને 2024માં નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે બે વર્ષ પછી તેઓ અપીલ સબ-કમિટી સમક્ષ પરત નોકરી મેળવવા માટે રજૂઆત કરી રહ્યા છે.
આ જ રીતે થલતેજ વોર્ડમાં સફાઈ કામદાર ગંગાબેન મિયાવાડાએ ખોટા જન્મ પ્રમાણપત્ર રજૂ કરી વધુ સમય સુધી નોકરી ચાલુ રાખી હતી. તેમની થલતેજ ગ્રામ પંચાયત રેકોર્ડમાં જન્મ તારીખ 1964 નોંધાયેલ છે પરંતુ, આંબરેલી ગ્રામ પંચાયત કોર્ટ ઓર્ડર મુજબ 1977માં બદલી નાખીને કોર્પોરેશનમાં છેતરપિંડી કરી હતી. સફાઈ કામદાર ગંગાબેન દ્વારા રજુ કરવામાં આવેલા તેમના પુરાવા મુજબ જો વર્ષ 1977 મુજબ તેમની જન્મ તારીખ ગણવામાં આવે તો તેમના મોટા પુત્રનો જન્મ વર્ષ 1983માં(શાળા છોડયાના પ્રમાણપત્ર મુજબ) ગણવામાં આવે તો પણ ખૂબ મોટો તફાવત જોવા મળે છે. જે તાર્કિક રીતે સત્ય જણાતું નથી. કાયમી થયા ત્યારે SSI દ્વારા પણ તેમના જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, તેની ચકાસણી યોગ્ય રીતે કરવામાં આવી નહોતી. વર્ષ 2022માં આ સમગ્ર મામલે ખાતાકીય તપાસ કરવામાં આવી હતી અને શો- કોઝ નોટિસ આપવામાં આવી હતી જેની તપાસ બાદ વર્ષ 2023માં તેમને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ તેઓએ ફરીથી નોકરી મેળવવા માટે અરજી કરી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિવિધ એકમો પાસેથી વહીવટી ચાર્જ વસૂલવા માટે 13 જેટલી બુક અબ્દુલ લતીફ શેખને આપવામાં આવી હતી. તેમને આ વહીવટી ચાર્જની બુક બતાવી જવા માટે 25મી સપ્ટેમ્બર 2020ના રોજ લેખિત સૂચના આપી હતી. બાદમાં 29મી સપ્ટેમ્બરે તેણે 13 પૈકી 6 બુક બતાવી હતી. બાકીની પહોંચ નહી બતાવતાં 1લી ઓક્ટોબર, 2020ના રોજ લતીફને ફરજ મૌકુફી પર ઉતારવામાં આવ્યા હતા તેમજ તેમણે આ પૈસા પોતાના અંગત ઉપયોગ માટે વાપર્યા હોવાનું માનવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિક તપાસમાં તેણે 13 બુકમાં 24.06 લાખ વહીવટી ચાર્જ પેટે વસૂલ્યા હતા. જે પૈકી 1.31 લાખ તેણે સિવિક સેન્ટર ખાતે જમા કરાવ્યા હતા. જ્યારે 10.87 લાખની રકમ તેણે જમા કરાવી ન હતી. 2022માં તેની સામેની તપાસ પૂર્ણ થતાં તેની સામે આરોપ પુરવાર થયા હતા. જે હુકમ સામે તેણે અપીલ સબ કમિટી સમક્ષ રજૂઆત કરી છે કે, તેના પર દયા રાખી તેને ફરીથી નોકરી પર પરત લેવામાં આવે. કોર્પોરેશન દ્વારા દ્વારા તેની આ અપીલને ફગાવી દેવા માટે કમિટી સમક્ષ રજૂઆત કરી છે. જોકે, આવતીકાલે યોજાનારી અપીલ સબ કમિટીમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ તમામ કિસ્સાઓમાં AMC દ્વારા ખાતાકીય તપાસ અને વિજિલન્સ કાર્યવાહી બાદ કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા હતા, પરંતુ બે વર્ષ પછી તેઓ અપીલ સબ-કમિટીમાં પરત ફરવાની માંગ કરી રહ્યા છે. આવતીકાલે યોજાનારી અપીલ સબ-કમિટીની બેઠકમાં આ રજૂઆતો પર નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાઓએ કોર્પોરેશનમાં નોકરી મેળવવા અને ચાલુ રાખવા માટેની નીતિઓ અને તપાસ પ્રક્રિયા પર ફરી એક વખત ગંભીર સવાલો ઉભા કર્યા છે.