
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અમદાવાદ પ્રથમ નંબરે છે ત્યારે શહેરમાં લોકો જાહેર રોડ ઉપર કચરો ફેંકી ગંદકી કરતા હોય છે. કચરો ફેંકી અને અન્ય રીતે ગંદકી કરનારા વેપારીઓ દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. શહેરના ગુરુકુળ રોડ, ઘાટલોડિયા સુરધારા સર્કલ, વસ્ત્રાપુર સહિત અલગ અલગ જગ્યા ઉપર ગંદકી કરનાર 9 દુકાનો અને રેસ્ટોરન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવે છે
છેલ્લા બે દિવસમાં કુલ 100 જેટલી જગ્યા ઉપર તપાસ કરી ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 145 દુકાનો અને રેસ્ટોરન્ટને નોટિસ ઈશ્યૂ કરી 28 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે. 1.42 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જાહેર રોડ પર ગંદકી / ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લાં, ચાની કીટલી, પેપરકપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતાં તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન (કચરાપેટી) ન રાખતા, જાહેરમાર્ગો પર ગંદકી / ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમોનું સઘન ચેકીંગ હાથ ધરી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંધન કરતાં એકમો /શખસો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. સવાર અને સાંજ સ્પે. સ્કવોડ કાર્યરત કરવામાં આવી છે.