અમદાવાદ પોલીસનો છબરડો, ચાઇનીઝ દોરીના બાતમીદારનું નામ પણ FIRમાં આવી ગયું

Spread the love

 

અમદાવાદમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી(Chinese string) ના વેચાણ અને વપરાશ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે વાડજ પોલીસની એક આઘાતજનક બેદરકારી સામે આવી છે. પોલીસે કાયદાકીય પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને FIRમાં જ બાતમીદારનું નામ જાહેર કરી દેતા, બાતમીદારના જીવ પર જોખમ ઉભું થયું છે.

આ હેતુથી એક જાગૃત નાગરિક અને જીવદયા પ્રેમીએ વાડજ વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી પતંગ ચગાવવામાં આવતી હોવાની ચોક્કસ માહિતી પોલીસને આપી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે ઇસમોની અટકાયત પણ કરી હતી.

 

પોલીસની અક્ષમ્ય બેદરકારી

સામાન્ય રીતે, પોલીસ મેન્યુઅલ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ, કોઈપણ ગુનાની ગુપ્ત માહિતી આપનાર ‘બાતમીદાર’ (Informant) ની ઓળખ અત્યંત ગુપ્ત રાખવાની હોય છે. પરંતુ, વાડજ પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારીઓએ આ કેસની ફરિયાદ (FIR) નોંધતી વખતે બાતમીદારના નામનો ઉલ્લેખ કરી દીધો હતો. FIR એક પબ્લિક ડોક્યુમેન્ટ હોવાથી તેની નકલ આરોપીઓ પાસે પહોંચી હતી, જેના પરિણામે બાતમીદારની ઓળખ છતી થઈ ગઈ હતી.

 

જાગૃત નાગરિકને જાગૃતિ ભારે પડી

પોતાની ઓળખ જાહેર થઈ જતાં, ધરપકડ કરાયેલા આરોપીઓ અને તેમના મળતિયાઓ દ્વારા જીવદયા પ્રેમી નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા છે. આરોપીઓ દ્વારા તેમને ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. એક તરફ નાગરિકે સામાજિક જવાબદારી નિભાવી પોલીસને મદદ કરી, તો બીજી તરફ પોલીસની આ ભૂલે તેમને ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર કર્યા છે. આ ગંભીર ચૂક સામે આવતા જ પીડિત જીવદયા પ્રેમીએ ન્યાય માટે અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્યના પોલીસ વડા (DGP) ને લેખિતમાં રજૂઆત કરી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *