
ગ્રીનલેન્ડ પર કબજા મામલે અમેરિકા અને ડેનમાર્ક વચ્ચે વિવાદ વધી રહ્યો છે. અમેરિકાએ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD)નું એક સૈન્ય વિમાન ગ્રીનલેન્ડ મોકલ્યું છે. આ વિમાન ટૂંક સમયમાં પિટુફિક સ્પેસ બેઝ પહોંચશે.NORADએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે આ તહેનાતી પહેલાંથી નિર્ધારિત સૈન્ય હિલચાલ હેઠળ કરવામાં આવી રહી છે. કમાન્ડે સ્પષ્ટ કર્યું કે આ સંપૂર્ણ પ્રક્રિયાની જાણકારી ડેનમાર્ક અને ગ્રીનલેન્ડને આપવામાં આવી છે.ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજાની ધમકી વચ્ચે ડેનમાર્કે પણ ગ્રીનલેન્ડમાં વધારાના સૈનિકો તહેનાત કર્યા છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, સોમવારે ઘણાં વિમાન ડેનમાર્કના સૈનિકો અને સૈન્ય સાધનો સાથે ગ્રીનલેન્ડ પહોંચ્યાં.
ગ્રીનલેન્ડ અને ડેનમાર્કને જાણ કરીને અમેરિકાએ વિમાન મોકલ્યું
NORADના નિવેદન મુજબ, પિટુફિક સ્પેસ બેઝ પર પહોંચનારું આ વિમાન અમેરિકા અને કેનેડાનાં ઠેકાણાં પરથી સંચાલિત અન્ય વિમાનો સાથે મળીને લાંબા સમયથી નિર્ધારિત સંરક્ષણ ગતિવિધિઓમાં સામેલ થશે.આ ગતિવિધિઓને અમેરિકા, કેનેડા અને ડેનમાર્ક વચ્ચે ચાલી રહેલી સંરક્ષણ ભાગીદારીનો ભાગ ગણાવવામાં આવ્યો છે.NORADએ એમ પણ કહ્યું હતું કે આ તહેનાતી માટે જરૂરી તમામ રાજદ્વારી મંજૂરીઓ લેવામાં આવી છે. અમેરિકાનું આ પગલું ડેનમાર્કની આગેવાની હેઠળ થયેલા એક સૈન્ય અભ્યાસ ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ પછી સામે આવ્યું છે.આ અભ્યાસ ગ્રીનલેન્ડમાં થયો હતો, જેમાં જર્મની, સ્વીડન, ફ્રાન્સ, નોર્વે, નેધરલેન્ડ અને ફિનલેન્ડે પણ મર્યાદિત સંખ્યામાં પોતાના સૈનિકો મોકલ્યા હતા.
ગ્રીનલેન્ડમાં મોટા પાયે સૈનિકોની તહેનાતીની શક્યતા
ડેનમાર્કે પહેલાંથી જ ગ્રીનલેન્ડમાં લગભગ 200 સૈનિક તહેનાત કર્યા છે. આ ઉપરાંત 14 સભ્યોની સિરિયસ ડોગ સ્લેજ પેટ્રોલ પણ ત્યાં હાજર છે, જે આર્કટિક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે આવનારા દિવસોમાં તેમને જમીન, હવા અને સમુદ્ર દ્વારા વધુ મજબૂત કરવામાં આવશે. આ સંખ્યા નાની છે, પરંતુ એ રાજકીય સંદેશ આપવા માટે છે કે NATO એકજૂટ છે.ડેનમાર્કની આગેવાની હેઠળ ચાલી રહેલું ઓપરેશન આર્કટિક એન્ડ્યોરન્સ એક સૈન્ય અભ્યાસ છે. એનો હેતુ એ જોવાનો છે કે જો ભવિષ્યમાં ગ્રીનલેન્ડમાં મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કરવા પડે, તો તેની તૈયારી કેવી હશે. ડેનમાર્કના સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ અભ્યાસનું ધ્યાન આર્કટિક વિસ્તારમાં સહયોગી દેશો વચ્ચે તાલમેલ અને કામ કરવાની ક્ષમતા વધારવા પર છે.આગળ જતાં આનાથી પણ મોટું મિશન લાવવાની યોજના છે, જેને ઓપરેશન આર્કટિક સેન્ટ્રી કહેવામાં આવી રહ્યું છે. આ એક નાટો મિશન હશે. એનો ઉદ્દેશ ગ્રીનલેન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં દેખરેખ વધારવી અને કોઈપણ ખતરાનો સૈન્ય જવાબ આપવાની શક્તિ મજબૂત કરવાનો છે.જોકે આ મિશન તરત શરૂ થશે નહીં. જર્મનીના સંરક્ષણમંત્રી બોરિસ પિસ્ટોરિયસ અનુસાર, ઓપરેશન આર્કટિક સેન્ટ્રી શરૂ થવામાં હજુ ઘણા મહિનાઓ લાગી શકે છે, એટલે કે હાલમાં ગ્રીનલેન્ડમાં કોઈ મોટું નવું સૈન્ય મિશન શરૂ થયું નથી, પરંતુ તેની તૈયારી અને યોજના પર કામ ચાલી રહ્યું છે.
ગ્રીનલેન્ડની પોતાની સેના નથી, અમેરિકા અને ડેનમાર્કના સૈનિકો તહેનાત
ગ્રીનલેન્ડની પોતાની કોઈ સેના નથી. તેની સંરક્ષણ અને વિદેશનીતિની જવાબદારી ડેનમાર્કની છે. આ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે. અહીંની વસતિ માત્ર 57 હજાર છે.2009 પછી ગ્રીનલેન્ડ સરકારને દરિયાકાંઠાની સુરક્ષા અને કેટલાક વિદેશી બાબતોમાં છૂટ મળી છે, પરંતુ સંરક્ષણ અને વિદેશ નીતિના મુખ્ય મામલાઓ હજુ પણ ડેનમાર્ક પાસે છે.અમેરિકન સૈનિકો: અમેરિકાનો પિટુફિક સ્પેસ બેઝ (થુલે એર બેઝ). ગ્રીનલેન્ડના ઉત્તર-પશ્ચિમમાં આવેલો આ બેઝ અમેરિકા દ્વારા સંચાલિત છે. આ બેઝ મિસાઈલ ચેતવણી સિસ્ટમ અને સ્પેસ મોનિટરિંગ માટે ઉપયોગમાં લેવાય છે. NYT અનુસાર, અહીં લગભગ 150થી 200 અમેરિકી સૈનિકો તહેનાત છે. આ મિસાઈલ ચેતવણી, સ્પેસ સર્વેલન્સ અને આર્કટિક સુરક્ષા માટે છે. આ અમેરિકાનો સૌથી ઉત્તરીય સૈન્ય અડ્ડો છે.ડેનિશ સૈનિકો: ડેનમાર્કની જોઈન્ટ આર્કટિક કમાન્ડ ગ્રીનલેન્ડમાં કાર્યરત છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અહીં કુલ લગભગ 150થી 200 ડેનિશ સૈન્ય અને નાગરિક કર્મચારીઓ છે. જેઓ દેખરેખ, સર્ચ એન્ડ રેસ્ક્યૂ અને સાર્વભૌમત્વનું રક્ષણ કરે છે. તેમાં પ્રખ્યાત સિરિયસ ડોગ સ્લેજ પેટ્રોલ (એક નાનો એલિટ યુનિટ, લગભગ 12-14 લોકો) પણ સામેલ છે, જે કૂતરાઓની સ્લેજ દ્વારા લાંબું પેટ્રોલિંગ કરે છે.
અમેરિકા પર વળતા ટેરિફ લગાવવાની તૈયારીમાં યુરોપિયન દેશો
ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજાનો વિરોધ કરી રહેલા 8 દેશો પર 10% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે 1 ફેબ્રુઆરીથી લાગુ થશે. તેના જવાબમાં યુરોપિયન યુનિયન પણ અમેરિકા પર ટ્રેડ પ્રતિબંધો લગાવવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.આ માટે EU એક ખાસ કાનૂની હથિયારના ઉપયોગ પર વિચારી રહ્યું છે, જેને સત્તાવાર રીતે ‘ટ્રેડ બાઝૂકા’ કહેવામાં આવે છે. તેનો હેતુ એ દેશો વિરુદ્ધ કડક પગલાં લેવાનો છે, જે યુરોપિયન દેશો પર જબરદસ્તી આર્થિક દબાણ બનાવવાનો પ્રયાસ કરે છે.
શું ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવી શકે છે, નિયમો જાણો
ટ્રમ્પ 2019થી જ ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવા (ખરીદવા અથવા કબજે કરવા)ની વાત કરી રહ્યા છે. તેમના બીજા કાર્યકાળમાં આ મુદ્દો ફરીથી ખૂબ જ જોર પકડી ગયો છે, પરંતુ કાયદેસર રીતે આટલું સરળ નથી.
ગ્રીનલેન્ડ અને અમેરિકા બંને NATO દેશો છે. કાયદા મુજબ, એક NATO દેશ બીજા NATO દેશ પર કાયદેસર રીતે કબજો કરી શકતો નથી. આ સંપૂર્ણપણે ગેરકાયદે અને NATO સંધિની વિરુદ્ધ હશે.
NATOનો આર્ટિકલ 5 કહે છે કે એક સભ્ય પર હુમલો એ બધા પર હુમલો છે. જો કોઈ બાહ્ય દુશ્મન હુમલો કરે તો બધા સભ્યો મળીને મદદ કરશે.
ગ્રીનલેન્ડ પહેલા સ્વતંત્ર થાય, પછી અમેરિકા સાથે જોડાય: ગ્રીનલેન્ડ હાલમાં ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે. 2009ના સેલ્ફ ગવર્નમેન્ટ એક્ટ હેઠળ ગ્રીનલેન્ડના લોકો રેફરન્ડમ (જનમત સંગ્રહ) કરીને સ્વતંત્ર થઈ શકે છે, પરંતુ આ માટે ડેનિશ સંસદની પણ મંજૂરી જરૂરી છે.
ગ્રીનલેન્ડ શા માટે આટલું ખાસ…
ખાસ ભૌગોલિક સ્થિતિ: ગ્રીનલેન્ડની ભૌગોલિક સ્થિતિ ખૂબ જ ખાસ છે. એ ઉત્તર અમેરિકા અને યુરોપની વચ્ચે, એટલે કે એટલાન્ટિક મહાસાગરની બરાબર મધ્યમાં આવેલું છે. આ જ કારણોસર એને મિડ-એટલાન્ટિક ક્ષેત્રમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે.
વ્યૂહાત્મક સૈન્ય મહત્ત્વ: ગ્રીનલેન્ડ યુરોપ અને રશિયા વચ્ચે સૈન્ય અને મિસાઈલ દેખરેખ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અહીં અમેરિકાનો થુલે એર બેઝ પહેલેથી જ છે, જે મિસાઈલ ચેતવણી અને રશિયન/ચીનની હિલચાલ પર નજર રાખવા માટે જરૂરી છે.
ચીન અને રશિયા પર નજર: આર્કટિક ક્ષેત્રમાં રશિયા અને ચીનની હિલચાલ વધી રહી છે. ગ્રીનલેન્ડ પર પ્રભાવ હોવાથી અમેરિકા આ વિસ્તારમાં પોતાની ભૂ-રાજકીય પકડ મજબૂત રાખવા માગે છે.
કુદરતી સંસાધનો: ગ્રીનલેન્ડમાં દુર્લભ ખનિજો, તેલ, ગેસ અને રેર અર્થ એલિમેન્ટ્સના મોટા ભંડારો હોવાનું મનાય છે, જેનું ભવિષ્યમાં આર્થિક અને તકનીકી મહત્ત્વ ખૂબ વધારે છે. ચીન તેનું 70-90% ઉત્પાદન નિયંત્રિત કરે છે, તેથી અમેરિકા તેની નિર્ભરતા ઘટાડવા માગે છે.
નવા દરિયાઈ વેપારી માર્ગો: ગ્લોબલ વોર્મિંગને કારણે આર્કટિકનો બરફ પીગળી રહ્યો છે, જેનાથી નવા શિપિંગ રૂટ્સ ખૂલી રહ્યા છે. ગ્રીનલેન્ડ પરનું નિયંત્રણ અમેરિકાને આ રૂટ્સ પર પ્રભુત્વ મેળવવા અને આર્કટિક ક્ષેત્રમાં રશિયા-ચીનની પ્રગતિ રોકવામાં મદદ કરશે.
અમેરિકી સુરક્ષા નીતિ: અમેરિકા ગ્રીનલેન્ડને તેની રાષ્ટ્રીય સુરક્ષાની “ફ્રન્ટલાઇન” માને છે. ત્યાં પ્રભાવ વધારીને તે ભવિષ્યના સંભવિત જોખમોને અગાઉથી જ રોકવા માગે છે.