
કર્ણાટક પોલીસના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ DGP (સિવિલ રાઇટ્સ એન્ફોર્સમેન્ટ)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોમવાર (19 જાન્યુઆરી)ના રોજ તેમનો એક અશ્લીલ વીડિયો સામે આવ્યો હતો, જે બાદ સરકારે તેમની સામે કાર્યવાહી કરી છે. વાઇરલ વીડિયોમાં DGP કે. રામચંદ્ર રાવ ઘણી મહિલાઓ સાથે વાંધાજનક સ્થિતિમાં દેખાઈ રહ્યા હતા. વીડિયો સામે આવ્યા બાદ CM સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે જો અધિકારી દોષિત જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો વાઇરલ થયા બાદ DGP ગૃહમંત્રી જી. પરમેશ્વરને મળવા પહોંચ્યા, પરંતુ તેમની મુલાકાત થઈ શકી નહીં. ગૃહમંત્રીના ઘરેથી નીકળ્યા બાદ DGPએ પત્રકારોને કહ્યું હતું કે વીડિયો ખોટો અને મોર્ફ્ડ છે. તેમણે કહ્યું હતું કે આગળની કાર્યવાહી અંગે વકીલ સાથે વાત કરશે.
સસ્પેન્શન ઓર્ડરમાં લખ્યું છે કે, “રાવે અશ્લીલ રીતે કામ કર્યું છે. એક સરકારી અધિકારી માટે આ યોગ્ય નથી અને સરકાર માટે શરમજનક કારણ પણ છે. રાવનું વર્તન નિયમોનું ઉલ્લંઘન છે. રાજ્ય સરકાર પ્રથમ દૃષ્ટિએ આ વાતથી સંતુષ્ટ છે કે DGP (સિવિલ રાઇટ્સ એન્ફોર્સમેન્ટ) ડો. કે. રામચંદ્ર રાવને તાત્કાલિક અસરથી, તપાસ પેન્ડિંગ રહે ત્યાં સુધી સસ્પેન્ડ કરવા જરૂરી છે. સ્પેન્શન દરમિયાન રાવ રાજ્ય સરકારની લેખિત પરવાનગી વિના કોઈપણ સંજોગોમાં હેડક્વાર્ટર છોડી શકશે નહીં”.
મંત્રીના ઘરની બહાર પત્રકારો સાથે વાત કરતાં DGPએ કહ્યું હતું કે હું પણ વિચારી રહ્યો છું કે આ કેવી રીતે અને ક્યારે થયું અને કોણે કર્યું. આ જમાનામાં કંઈપણ થઈ શકે છે. મને આ વિશે કોઈ જાણકારી નથી. પત્રકારોએ પૂછ્યું કે શું આ જૂનો વીડિયો છે, તો તેમણે કહ્યું- જૂનો મતલબ, આઠ વર્ષ પહેલાં જ્યારે હું બેલગાવીમાં હતો. તેમણે આગળ કહ્યું હતું કે તેઓ ગૃહમંત્રીને સમજાવશે કે ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. કર્ણાટકનાં મંત્રી લક્ષ્મી હેબ્બલકરે કહ્યું હતું કે જો કોઈએ કંઈ ખોટું કર્યું છે તો સરકાર કાર્યવાહી કરશે.
વરિષ્ઠ ભાજપ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એસ. સુરેશ કુમારે કહ્યું હતું કે પોલીસ અધિકારીનું આ શરમજનક કૃત્ય માફ ન કરી શકાય એવો ગુનો છે. કુમારે કહ્યું, રાવે એવું કામ કર્યું છે, જેનાથી આખા પોલીસ વિભાગ પર દાઘ લાગ્યો છે. આ વરિષ્ઠ અધિકારીએ વર્દીમાં અને પોતાની જ ઓફિસમાં જે કામ કર્યું છે, એનાથી લોકો પોલીસ વિભાગને જ શંકાની નજરથી જોઈ રહ્યા છે.
કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવને 3 ફેબ્રુઆરીના રોજ મોડીરાત્રે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 14.8 કિલો સોના સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી બુધવારે (5 માર્ચ) સામે આવી હતી. રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. તેણે કન્નડ ફિલ્મો ‘માનિક્ય’ અને ‘પટકી’ માં એક્ટિંગ કરી છે. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. વારંવાર ઇન્ટરનેશનલ ટ્રિપના લીધે DRIની દેખરેખમાં હતી. તે 3 માર્ચે રાત્રે દુબઇથી ફ્લાઇટથી બેંગલુરુ પહોંચી હતી, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ દુબઈથી અમીરાતની ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરી રહી હતી. છેલ્લા 15 દિવસમાં તે ચાર વખત દુબઈ ગઈ હોવાથી સુરક્ષા એજન્સીઓ પહેલાંથી જ તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. DRIની દિલ્હી ટીમને પહેલાંથી જ સોનાની દાણચોરીમાં રાન્યા સંડોવણીની જાણ હતી, તેથી 3 માર્ચે અધિકારીઓ તેમની ફ્લાઇટ લેન્ડ થાય તેના બે કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચી ગયા.મળતી માહિતી મુજબ, રાન્યા રાવ એરપોર્ટ પર ઊતરતાંની સાથે જ તેણે પોતાનો પરિચય કર્ણાટકના DGPની પુત્રી તરીકે કરાવ્યો. તેણે સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કર્યો અને તેને એરપોર્ટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ DRI ટીમ તેને પૂછપરછ માટે બેંગલુરુમાં DRI મુખ્યાલય લઈ ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે રાન્યાએ તેનાં કપડાંમાં થોડું સોનું છુપાવ્યું હતું. ગેરકાયદે સોનાની પુષ્ટિ થયા પછી 3 માર્ચે સાંજે 7 વાગ્યે તેની અટકાયત કરવામાં આવી. આ શોધખોળ દરમિયાન 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. એક્ટ્રેસની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.