
મંગળવાર 20 જાન્યુઆરીના રોજ સેન્સેક્સ 1065 અંક (1.28%) ઘટીને 82,180 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 353 અંક (1.38%)નો ઘટાડો રહ્યો. તે 25,233ના સ્તર પર આવી ગયો. માર્કેટ એક્સપર્ટ્સ બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ પર કબજો કરવાની જીદને માની રહ્યા છે. આ ઉપરાંત ત્રીજા ક્વાર્ટરમાં મોટી કંપનીઓના નફામાં ઘટાડો પણ તેનું કારણ માનવામાં આવી રહ્યું છે.
સવારે બજારની શરૂઆત સુસ્ત રહી અને નિફ્ટી 100 અંક નીચે 25,500ની આસપાસ ખુલ્યો. શરૂઆતના કેટલાક કલાકોમાં બજારે પોતાને સંભાળવાનો પ્રયાસ કર્યો.પરંતુ બપોર થતા-થતા IT, ફાર્મા અને બેન્કિંગ જેવા સેક્ટર્સમાં વેચવાલી તેજ થઈ ગઈ. NSEનો નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 5% તૂટી ગયો. જ્યારે ઓટો અને IT ઇન્ડેક્સમાં 2%થી વધુનો ઘટાડો આવ્યો.આ પહેલા 13 મે 2025ના રોજ સેન્સેક્સ 1,000 અંકથી વધુ ઘટ્યો હતો. ત્યારે તે 1,281 અંક ઘટીને 81,148 પર બંધ થયો હતો.
ટ્રેડ વોરનો ખતરો વધ્યોઃ
બજારમાં આવેલી મંદીનું કારણ વધતી વૈશ્વિક અનિશ્ચિતતા છે. અમેરિકા અને યુરોપ વચ્ચે ઉભા થયેલા નવા ભૌગોલિક-રાજકીય તણાવ પછી ટ્રેડ વોરનો ખતરો વધી ગયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તે યુરોપિયન સહયોગી દેશોમાંથી થતી આયાત પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે, જે ગ્રીનલેન્ડ પર કબજાનો વિરોધ કરી રહ્યા છે.
આ સ્થિતિ પર ચર્ચા કરવા અને વળતી કાર્યવાહી પર નિર્ણય લેવા માટે યુરોપિયન યુનિયન (EU) ના નેતાઓ ગુરુવારે બ્રસેલ્સમાં એક ઇમરજન્સી સમિટ કરવા જઈ રહ્યા છે.
ગ્લોબલ માર્કેટમાં ઘટાડોઃ
એશિયન બજારોમાં કોરિયાનો કોસ્પી 0.39% ઘટીને 4,885 પર અને જાપાનનો નિક્કેઈ ઇન્ડેક્સ 1.11% નીચે 52,991 પર બંધ થયો છે.
હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.29% નીચે 26,487 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.085% નીચે 4,113 પર બંધ થયો છે.
19 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઉ જોન્સ 0.17% ઘટીને 49,359 પર બંધ થયો. નાસ્ડેક 0.062% અને S&P-500 0.064% ઘટ્યો હતો.
વિદેશી રોકાણકારોએ ₹3,262 કરોડના શેર વેચ્યાઃ
19 જાન્યુઆરીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ ₹3,262 કરોડના શેર વેચ્યા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો
(DIIs) એ ₹4,234 કરોડના શેર ખરીદ્યા.
ડિસેમ્બર 2025માં FIIs એ કુલ ₹34,350 કરોડના શેર વેચ્યા હતા. આ સમયગાળા દરમિયાન બજારને સંભાળી રહેલા DIIs એ ₹79,620 કરોડના શેર ખરીદ્યા હતા.
ગઈકાલે સેન્સેક્સ 324 અંક ઘટીને બંધ થયો હતોઃ
શેરબજારમાં 19 ડિસેમ્બરે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 324 પોઈન્ટ ઘટીને 83,246 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 108 પોઈન્ટનો ઘટાડો રહ્યો. તે 25,585 પર બંધ થયો હતો.