શહેર પોલીસના સાયબર ક્રાઇમ સેલે વધુ એક મોટી સફળતા મેળવી છે. રૂ. 212 કરોડ 87 લાખથી વધુની શંકાસ્પદ લેવડદેવડ ધરાવતા વિશાળ સાયબર ક્રાઇમ ફ્રોડ રેકેટમાં સંડોવાયેલા નાસતા ફરતા ચાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ રેકેટ દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અમરોલીમાં રેઇડ, મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કરવામાં આવી છે.
સાયબર ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરતના અમરોલી વિસ્તારમાં રેઇડ કરવામાં આવી હતી. રેઇડ દરમિયાન પ્રવિણભાઇ જીલુભાઇ ધાધલની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી તથા તેમના રહેણાંક સ્થળેથી મોબાઇલ ફોન (3), ડેબિટ કાર્ડ (12), પાસબુક (19), ચેકબુક (132), સિમકાર્ડ (11), સિમકાર્ડ કવર (54), રબર સ્ટેમ્પ (7), સ્વાઇપ મશીન (1), QR કોડ (35), વિવિધ ડોક્યુમેન્ટ કુલ રૂ. 29,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે તા. 09/10/2025 ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 તથા IT એક્ટ-2008ની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ વિશ્લેષણ બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. ઝડપાયેલા આરોપીઓ અને તેમની ભૂમિકા: અંકિતપરી ગોરધનપરી ગૌસ્વામી (ઉ.વ. 28) HDFC, RBL અને DCB બેંકના 3 સેવિંગ એકાઉન્ટ આપ્યા. કમિશન તરીકે રૂ. 90,000 મેળવ્યા.
એકાઉન્ટમાં રૂ. 3.88 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન
ચેતનભાઇ પ્રફુલભાઇ લિંબાણી (ઉ.વ. 32) Indian Bank, Bank of Maharashtra અને IDFC First Bankના કરંટ એકાઉન્ટ. રૂ. 3 લાખ કમિશન મેળવ્યું. એકાઉન્ટમાં રૂ. 37.52 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન. 7 અલગ અલગ ફરિયાદો થઈ છે. બીપીનભાઇ અશોકભાઇ સાવલિયા (ઉ.વ. 32) HDFC, RBL, YES અને Kotak Bankના એકાઉન્ટ. રૂ. 1.20 લાખ કમિશન. રૂ. 4.03 કરોડથી વધુ લેવડદેવડ થઈ છે. અજયભાઇ ગોરધનપરી ગૌસ્વામી (ઉ.વ. 31) IDBI અને Bank of Barodaના કરંટ એકાઉન્ટ. રૂ. 2 લાખ કમિશન. રૂ. 2.64 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન. 4 ફરિયાદો નોંધાયેલ છે.
154 બેંક એકાઉન્ટ, 212 કરોડની લેવડદેવડ
તપાસ દરમ્યાન 154 અલગ અલગ બેંક એકાઉન્ટ અંગે વિગતો મેળવી હતી. આ તમામ એકાઉન્ટોમાં કુલ રૂ. 212,87,97,974/- ની શંકાસ્પદ લેવડદેવડ મળી આવી. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) મુજબ દેશના 27 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 410 ફરિયાદો નોંધાઈ છે. જેમાં રૂ. 40.54 કરોડથી વધુનું સીધું સાયબર ફ્રોડ થયું હોવાનું બહાર આવ્યું છે. રાજ્યવાર ફરિયાદો (મુખ્ય) ગુજરાત – 58, મહારાષ્ટ્ર – 42, ઉત્તરપ્રદેશ – 41, તેલંગણા – 37, આંધ્રપ્રદેશ – 31, દિલ્હી – 24, તમિલનાડુ – 21, પશ્ચિમ બંગાળ – 20, (સમગ્ર દેશમાંથી કુલ 410 ફરિયાદો)
પોલીસની જનતાને અપીલ
સુરત શહેર પોલીસે નાગરિકોને કડક અપીલ કરી છે કે, કમિશન, લોભ કે લાલચમાં આવી કોઈને બેંક એકાઉન્ટ આપશો નહીં. આવા એકાઉન્ટો સાયબર ફ્રોડમાં ઉપયોગ થાય છે. એકાઉન્ટમાં થતી તમામ ગેરકાયદેસર લેવડદેવડની સંપૂર્ણ જવાબદારી એકાઉન્ટ હોલ્ડર પર જ આવે છે.