Rajkot: તળાવ માટે સંપાદન કરેલી 11 એકર જમીનના ટુકડા કરી દસ્તાવેજ બનાવી લીધા, પૂર્વ સાંસદ અને ઉદ્યોગપતિનું કારસ્તાન ખુલ્લું પડ્યું

Spread the love

 

  • રાજકોટના (Rajkot) લોધિકા તાલુકાના ચીભડા ગામે સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ
  • સંપાદન કરેલી જમીન પૂર્વ સાંસદે અને ઉદ્યોગ પતિએ દસ્તાવેજ બનાવી લીધા
  • સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા અને ઉદ્યોગ પતિ જમનાદાસ પટેલનું નામ ઉછળ્યું
  • જિલ્લા કલેક્ટર દ્વારા જમીન સરકારની હોવાનો ચુકાદો આપવામાં આવ્યો

Rajkot: રાજકોટ (Rajkot) જિલ્લાના લોધિકા તાલુકાના ચીભડા ગામે સરકારી જમીન પચાવી પાડવાનું એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

વર્ષ 1982માં હરીપર તરવાડા ગામે અછતકાળ દરમિયાન તળાવ બનાવવા માટે સરકાર દ્વારા 11 એકર જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું, જેનું યોગ્ય વળતર પણ ચૂકવી દેવાયું હતું. જોકે, આ જમીન ખુલ્લી હોવાનો લાભ ઉઠાવી મૂળ ખાતેદારોએ કબજો જાળવી રાખ્યો અને ત્યારબાદ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા તથા ઉદ્યોગપતિ જમનાદાસ પટેલે આ સરકારી જમીનના ટુકડા કરી પોતાના નામે દસ્તાવેજો બનાવી લીધા હતા. પૂર્વ સાંસદે ‘બોનાફાઈડ’ (સદભાવના) ના આધારે જમીન પરત મેળવવા અપીલ કરી હતી, પરંતુ જિલ્લા કલેક્ટરે તમામ પાસાઓની તપાસ કરી આ જમીન કાયદેસર રીતે સરકારની જ હોવાનો મક્કમ ચુકાદો આપ્યો છે. આ ઘટનાએ રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે કે કેવી રીતે વગદાર લોકો સરકારી મિલકતો પર પોતાનો હક જમાવવાનો પ્રયાસ કરે છે.

રાજકોટના (Rajkot) લોધિકા તાલુકાના ચીભડા ગામે સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ

પ્રાપ્ત જાણકારી મુજબ રાજકોટ નજીક લોધિકા તાલુકાના ચીભડા ગામે આવેલ રાદડિયા તળાવ માટે વર્ષ 1984માં સંપાદન થયેલી રૂપિયા 25 કરોડથી વધુ કિંમતની ડૂબમાં ગયેલી જમીન અલગ-અલગ ચાર દસ્તાવેજથી સુરેન્દ્રનગરના માજી સાંસદ અને રાજકોટના ડેકોરા બિલ્ડર ગ્રૂપના મોભીએ ખરીદેલી જમીનના વિવાદમાં જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશે નોંધ રદ કરી મહત્ત્વનો ચુકાદો આપતા નોંધ્યું હતું કે, સંપાદન થયેલી જમીનની નોંધ રેવન્યુ રેકર્ડમાં ન પડી હોવાથી આવા કિસ્સામાં રેવન્યુ રેકર્ડ પર જો ખાતેદારનું નામ ચાલુ રહે તો માલિકી પ્રસ્થાપિત થતી નથી. આ કેસમાં જિલ્લા કલેક્ટરે રેવન્યુ રેકર્ડમાં જમીન સંપાદનની નોંધ કરવા પણ હુકમ કર્યો છે.

પૂર્વ સાંસદ અને ઉદ્યોગ પતિએ દસ્તાવેજ બનાવી લીધા

ડેમ-તળાવ માટે સંપાદન થયેલી ડૂબમાં ગયેલી જમીન ખરીદી રેવન્યુ રેકર્ડમાં ખાનગી નામે ચડાવવાના આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2021માં હળવદના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગરના માજી સાંસદ દેવજીભાઈ ગોવિંદભાઇ ફતેપરા રહે.”જય ચામુંડા કૃપા’ બ્લોક નંબર-35-બી, સાંઇનગર સોસાયટી, કાલાવડ રોડ, રાજકોટ અને રાજકોટના જાણીતા ડેકોરા ગ્રૂપના બિલ્ડર જમનાદાસ પરસોત્તમભાઇ પટેલ રહે.ડેકોરા હાઈટ્સ, ક્લાસિક પાર્ટી પ્લોટ સામે, અવધ રોડ, રાજકોટવાળાએ લોધિકા તાલુકાના ચીભડા ગામના રેવન્યુ સરવે નંબર 1117, 1118, 1119 અને 1120ની હેક્ટર 4-32-16 એટલે કે, 10 એકરથી વધુ જમીન અલગ અલગ ચાર દસ્તાવેજથી સમજુબેન પુંજાભાઈ વસોયા અને બાબુભાઇ જાગાભાઇ વસોયા વગેરે પાસેથી ખરીદી ગામ નમૂના નંબર-6માં હક્કપત્રકે નોંધણી કરાવતા ચીભડા ગામના જાગૃત નાગરિકે આ નોંધ સામે વાંધો લેતા વર્ષ 2022માં નાયબ કલેક્ટર રાજકોટ ગ્રામ્યએ વાંધો ગ્રાહ્ય રાખી સંપાદન થયેલી જમીનના વેચાણની નોંધ રદ્દ કરતો હુકમ કર્યો હતો.

જિલ્લા કલેક્ટર દ્વારા જમીન સરકારની હોવાનો ચુકાદો આપવામાં આવ્યો

બાદમાં નાયબ કલેક્ટર રાજકોટના હુકમ સામે માજી સાંસદ દેવજીભાઈ ગોવિંદભાઇ ફતેપરા અને ડેકોરા ગ્રૂપના બિલ્ડર જમનાદાસ પરસોત્તમભાઇ પટેલે જિલ્લા ક્લેક્ટર સમક્ષ અપીલ દાખલ કરી હતી જેમાં સાંસદ -બિલ્ડર દ્વારા આ જમીન સંપાદન થઇ ન હોવાનું અને રેવન્યુ રેકર્ડમાં વેચનારા અસામીઓના નામ બોલતા હોય અખબારમાં જાહેર નોટિસ બાદ જ જમીન ખરીદીના વ્યવહાર કર્યા હોવાની દલીલો કરી હતી સાથે જ સિંચાઈ વિભાગ દ્વારા આ જમીન ડૂબમાં ન આવતી હોવાના પ્રમાણપત્ર સહિતના પુરાવા રજૂ કરી જમીનની હક્કપત્રકે નોંધ કરવા દલીલ કરી હતી. જોકે આ કેસમાં પુરાવા મેળવી કલેક્ટર ડો.ઓમ પ્રકાશે જાગૃત નાગરિકની વાંધા અરજી ગ્રાહ્ય રાખી નાયબ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ હુકમ કાયમ રાખી ગામ દફ્તરે જમીન સંપાદનની નોંધ કરવા હુકમ કર્યો હતો.

જાગૃત નાગરિકે હક્કપત્રકે પડેલી નોંધ સામે વાંધો રજૂ કરતાં જ કૌભાંડ ઉજાગર થયું

લોધિકા તાલુકાના ચીભડા ગામે આવેલ રાદડિયા તળાવ ડેમમાંથી અનેક ખેડૂતો સિંચાઇનું પાણી મેળવી રહ્યા છે ત્યારે વર્ષ 2021-22માં અચાનક જ સંપાદન થયેલી અને ડૂબમાં ગયેલી જમીનના વેચાણ વ્યવહાર થતા ગામના જાગૃત નાગરિક દ્વારા મામલતદાર કચેરીમાં આ જમીનની હક્કપત્રકે નોંધની કાર્યવાહી થતા જ વાંધા અરજી કરી હતી. નોંધ તકરારી બન્યા બાદ 1984ના જમીન સંપાદનના રેકર્ડના આધારે નાયબ કલેક્ટર અને કલેક્ટર દ્વારા સરકારી ચોપડે ચડેલી જમીનને બચાવી લેવામાં આવી હતી.

સંપાદન થયેલી જમીનના કિસ્સામાં ખાતેદારનું નામ ચાલુ રહેવાથી માલિકી પ્રસ્થાપિત ન થાય

ચીભડા ગામે ડેમ-તળાવ માટે એલ.એ.ક્યુ કેસ નંબર 1/82 તા.28-02-1984થી સંપાદન થયેલી જમીનની રેવન્યુ રેકર્ડમાં નોંધ ન પડી હોવાથી મૂળ ખાતેદારોના નામ ચાલુ રહ્યા હતા. જેથી સરકારી તંત્રની આ ભૂલનો ફાયદો ઉઠાવી મૂળ ખાતેદારોએ વર્ષ 2021-22માં સંપાદન થયેલી જમીન વેચી મારવાના કિસ્સામાં જિલ્લા કલેક્ટરે વેચાણ નોંધ રદ કરતા ચુકાદામાં ટાંક્યું હતું કે, વાદગ્રસ્ત જમીન સિંચાઈ વિભાગ પંચાયત માટે સંપાદન થયેલી છે.સંપાદનના એવોર્ડની રેવન્યુ રેકર્ડમાં નોંધ ન થવાથી મૂળ ખાતેદારના નામે ચાલુ રહેલ છે.ફક્ત રેવન્યુ રેકર્ડમાં નામ ચાલતું હોવાથી મૂળ ખાતેદારની માલિકી પ્રસ્થાપિત થતી નથી. જેથી વાદગ્રસ્ત જમીનના માલિક ન હોવા છતાં કરવામાં આવેલ વેચાણ દસ્તાવેજની રેવન્યુ રેકર્ડમાં અમલવારી કરવાનો પ્રશ્ન જ રહેતો નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *