
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે ટ્રમ્પ દ્વારા ફ્રેન્ચ વાઇન પર 200% ટેરિફ લગાવવાની ધમકી પર જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ ધમકીમાં નહીં, સન્માનમાં વિશ્વાસ રાખે છે. મેક્રોન સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે યુરોપ પર વધુ પ્રતિબંધો લગાવવાની ધમકી આપવી ખોટું છે. ખાસ કરીને ત્યારે, જ્યારે એનો ઉપયોગ કોઈ દેશની જમીન અને આઝાદી પર દબાણ બનાવવા માટે કરવામાં આવે. આને કોઈપણ ભોગે સ્વીકારવામાં આવશે નહીં. ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે એવી દુનિયા ખતરનાક છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કાયદાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. જ્યાં શક્તિશાળી દેશો જે ઈચ્છે એ કરે છે અને નબળા દેશોને મજબૂરીમાં બધું સહન કરવું પડે છે.
મેક્રોને કહ્યું, ‘આ સમય શાંતિ, સ્થિરતા અને વિશ્વાસનો હોવો જોઈએ.’ આના પર હોલમાં હાજર લોકો હસી પડ્યા. આ પછી મેક્રોને પણ સ્વીકાર્યું કે વાસ્તવિકતા આનાથી બિલકુલ વિપરીત છે. તેમણે કહ્યું હતું કે આજે દુનિયા અસ્થિર થતી જઈ રહી છે. સુરક્ષાના મામલે પણ અને અર્થતંત્રના મામલે પણ. 2024માં દુનિયાના ઘણા ભાગોમાં યુદ્ધ ચાલી રહ્યાં છે અને ઘણા દેશોમાં લોકશાહી નબળી પડીને તાનાશાહી તરફ આગળ વધી રહી છે. મેક્રોનએ વેપાર અને ટેરિફનો પણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે નામ લીધા વિના અમેરિકા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે કેટલાક દેશો એવા વેપાર કરારો કરી રહ્યા છે, જે યુરોપના કારોબારને નુકસાન પહોંચાડે છે, વધુ શરતો લાદે છે અને યુરોપને નબળું પાડવાનો પ્રયાસ કરે છે.
તેમણે કહ્યું હતું કે સતત નવા-નવા ટેક્સ લગાવવામાં આવી રહ્યા છે અને આ વાત બિલકુલ મંજૂર કરી શકાય નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે આ ટેક્સનો ઉપયોગ કોઈ દેશની જમીન અને સાર્વભૌમત્વ પર દબાણ બનાવવા માટે કરવામાં આવે. તેમણે આગળ કહ્યું હતું કે તેઓ પોતાની આઝાદી અને સાર્વભૌમત્વને લઈને સંપૂર્ણપણે ગંભીર છે. આ કોઈ જૂની વિચારસરણી નથી, પરંતુ બીજા વિશ્વયુદ્ધમાંથી મળેલા શીખને યાદ રાખવાનો એક માર્ગ છે, સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે સહયોગ જરૂરી છે અને દેશો એકબીજા સાથે મળીને જ આગળ વધી શકે છે. આ જ વાત સમજાવતાં મેક્રોને જણાવ્યું હતું કે ફ્રાન્સે ગ્રીનલેન્ડમાં થનારા સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનો હેતુ કોઈને ધમકાવવાનો નથી, પરંતુ પોતાના એક યુરોપિયન મિત્ર દેશ ડેનમાર્કની સાથે ઊભા રહેવાનો છે.
આ પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફ્રાન્સના વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. તેમણે સોમવારે આ ચેતવણી ફ્રાન્સના ગાઝા પીસ બોર્ડમાં સામેલ થવાનો ઇનકાર કરવાના વિરોધમાં આપી હતી. ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને સામેલ કરવા પણ નથી માગતા, કારણ કે ખૂબ જ જલદી તેમની ખુરસી છીનવાઈ જવાની છે. તેમણે કહ્યું-“જો મને લાગશે તો હું ફ્રેન્ચ વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફ લગાવીશ, પછી મેક્રોન પોતે પીસ બોર્ડમાં સામેલ થઈ જશે”. ખરેખર ટ્રમ્પે ગાઝાના વહીવટને ચલાવવા અને એને ફરીથી વસાવવા માટે નેશનલ કમિટી ફોર ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ગાઝા (NCAG)ની રચનાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ કમિટીમાં સામેલ થવા માટે 60 દેશને આમંત્રણ મોકલ્યું છે. ટ્રમ્પે મેક્રોનના એક પ્રાઇવેટ મેસેજનો સ્ક્રીનશોટ પણ મંગળવારે સોશિયલ મીડિયા પર લીક કરી દીધો છે.
ટ્રમ્પે જે મેસેજ શેર કર્યો એમાં ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું-“સિરિયાના મુદ્દે અમે તમારી સાથે સંપૂર્ણપણે સહમત છીએ. ઈરાનના મામલે અમે ઘણુંબધું કરી શકીએ છીએ, પરંતુ મને સમજાતું નથી કે તમે ગ્રીનલેન્ડમાં શું કરી રહ્યા છો”. એક મત સુધી પહોંચવા માટે મેક્રોને એક ઔપચારિક બેઠકનો પ્રસ્તાવ મૂક્યો. મેક્રોને કહ્યું, ‘હું પેરિસમાં G7ની બેઠક બોલાવી શકું છું. હું યુક્રેન, ડેનમાર્ક, સિરિયા અને રશિયાને પણ તેમાં આમંત્રિત કરી શકું છું.’ મેક્રોને અમેરિકા પાછા ફરતાં પહેલાં ટ્રમ્પને સાથે ડિનર કરવાનું પણ આમંત્રણ આપ્યું.