6 કરોડની કિંમતના કોબ્રાના 6.5 ML ઝેરની 9 કરોડમાં ડીલ

Spread the love

 

સુરત SOGએ 19 જાન્યુઆરીના રોજ 5.85 કરોડની કિંમતના કોબ્રા સાપના ઝેર સાથે સાત આરોપીને ઝડપી પાડ્યા હતા. આ પ્રકરણમાં અમદાવાદના ઘનશ્યામ સોની અને વડોદરાના પ્રશાંત શાહ વચ્ચેની જૂની મિત્રતા આ ગુનાનું મૂળ બની છે. ઘનશ્યામ સોનીએ પ્રશાંત શાહ અને મકરંદને ધંધો કરવા 10 લાખ ઉછીના આપ્યા હતા. આ 10 લાખનું દેવૂ ચૂકવવા અને શોટકટમાં કરોડપતિ બનવા પ્રશાંત અને મકરંદ કોબ્રા સાપનું ઝેર વેચવા તૈયાર થયા અને એક પછી એક લોકો જોડાતા ગયા હતા. જોકે, આ મામલે સુરત વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ઘનશ્યામ સોની પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા બાદ પ્રશાંત અને મકરંદે વડોદરાના પોર GIDC વિસ્તારમાં પ્લાસ્ટિક ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનો ધંધો શરૂ કર્યો હતો. જોકે, આ ધંધામાં સફળતા મળી નહીં અને ટૂંક સમયમાં જ ભારે આર્થિક ખોટનો સામનો કરવો પડ્યો હતો. ધંધો સંપૂર્ણ ઠપ થઈ જતાં તેઓ ધનશ્યામ પાસેથી ઉછીના લીધેલા પૈસા પરત કરી શક્યા નહોતા. જેના કારણે તેમની આર્થિક અને સામાજિક પ્રતિષ્ઠા જોખમમાં મુકાઈ હતી. જોકે, ધંધામાં નુકસાની જતાં ઘનશ્યામ સોનીએ ઉછીના આપેલા 10 લાખ રૂપિયા પરત માગ્યા હતા અને કડક ઉઘરાણી શરૂ કરી હતી. અવારનવાર ફોન કરીને કે રૂબરૂ મળીને નાણા પરત માગતો હતો. પ્રશાંત અને મકરંદ પાસે આવકનું કોઈ સાધન બચ્યું નહોતું છતાં ઘનશ્યામ સતત દબાણ કરતો જેના કારણે પ્રશાંત અને મકરંદ ભારે માનસિક તણાવમાં આવી ગયા હતા. 10 લાખ ચૂકવવા માટે તેઓ કોઈપણ માર્ગ અપનાવવા તૈયાર થઈ ગયા હતા અને જે અંતે તેમને ગુનાખોરી તરફ લઈ ગઈ હતી.
જ્યારે ઘનશ્યામ સોની મુંબઇથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, ત્યારે વડોદરાના જાંબુઆ બ્રિજ પાસે પ્રશાંત અને મકરંદ સાથે તેની એક નિર્ણાયક મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન ઘનશ્યામ સોનીએ સ્વીકાર્યું કે તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે માટે હું તમને સાપનું ઝેર આપું છું. તેણે દાવો કર્યો હતો કે આ ઝેર વેચવાથી કરોડો રૂપિયા મળશે તેનાથી તેમનું 10 લાખનું દેવું અને અન્ય તમામ આર્થિક બોજ સરળતાથી દૂર થઈ જશે. ઘનશ્યામ સોનીએ તે મુલાકાત સમયે પ્રશાંતને કોબ્રા સાપના ઝેરની બોટલ સોંપી હતી. ઘનશ્યામે પ્રશાંતને કહ્યું હતું કે, આ ઝેરની ઇન્ટરનેશનલ માર્કેટમાં કરોડોમાં કિંમત છે અને તેના ગ્રાહક શોધવા મુશ્કેલ નથી. પ્રશાંત અને મકરંદે પણ પોતાના 10 લાખના દેવામાંથી મુક્તિ મેળવવા અને રાતોરાત કરોડપતિ બનવા આ ઝેર પોતાની પાસે રાખી લીધું હતું.
સાપનું ઝેર હાથમાં આવ્યા પછી પ્રશાંતે તેના પરિચિત સમીર અને પ્રવીણને આ માલ વેચવા માટે ગ્રાહક શોધવાની જવાબદારી સોંપી હતી. પ્રવીણે વડોદરાના જાણીતા સિવિલ વકીલ કેતન શાહનો સંપર્ક કર્યો હતો. વકીલ પણ આર્થિક ફાયદામાં ભાગીદાર બનવા તૈયાર થયો હતો. આ તમામ લોકોનું એક જ લક્ષ્ય હતું કે, ગમે તે રીતે આ ઝેર વેચીને ઘનશ્યામ સોનીના 10 લાખ પરત કરવા અને બાકીના કરોડો રૂપિયા અંદરોઅંદર વેચી લેવા જેથી તેમની ગરીબી દૂર થાય. કેતન શાહના મિત્ર મનસુખ જે સુરતમાં મેરેજ બ્યુરો ચલાવે છે તેણે આ કિંમતી ઝેર માટે ગ્રાહક શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો હતો. આરોપીઓએ આ કોબ્રાના ઝેરનો સોદો કુલ 9.10 કરોડમાં નક્કી કર્યો હતો. ડીલ નક્કી થતા જ તમામ આરોપીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. તેઓને લાગ્યું કે, હવે ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા ચૂકવવામાં કોઈ વાંધો આવશે નહીં. ડીલ માટે સુરતના લસકાણા વિસ્તારમાં આવેલી મનસુખની ઓફિસને મુખ્ય મંથક તરીકે પસંદ કરવામાં આવ્યું હતું.આ 9.10 કરોડની રકમની વહેંચી માટે આરોપીઓએ અગાઉથી જ પ્લાન તૈયાર કર્યો હતો. નક્કી થયા મુજબ 5 કરોડ રૂપિયા પ્રશાંત, મકરંદ અને ઘનશ્યામ સોનીને લેવાના હતા. જેમાંથી ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા અને વ્યાજની પતાવટ કરવાની હતી. બાકીના 4.10 કરોડ રૂપિયા વકીલ કેતન શાહ, સમીર, પ્રવીણ અને મનસુખ વચ્ચે કમિશન તરીકે વહેંચવાના હતા. નાણાની હેરાફેરી માટે આંગડિયા મારફતે હવાલો આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ય લોકોની મદદ લેવાઈ હતી.
સુરત SOGના ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે, તા. 19 જાન્યુઆરીના રોજ લસકાણાના સહજાનંદ હબમાં જ્યારે આ તમામ આરોપીઓ ડીલ કરવા માટે ભેગા થયા હતા, ત્યારે સુરત SOG પોલીસની ટીમે બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલીને છટકું ગોઠવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 5.85 કરોડની બજાર કિંમતનું કોબ્રા સાપનું ઝેર જપ્ત કર્યું હતું અને સાત આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. ઘનશ્યામ સોનીના 10 લાખ રૂપિયા પરત મેળવવાના ચક્કરમાં વડોદરાના પ્રતિષ્ઠિત વકીલ અને વેપારીઓ સહિતની આખી ટોકળી પોલીસના સકંજામાં ફસાઈ હતી. ઝડપાયેલા આરોપીઓમાં વકીલ કેતન શાહ, વેપારી મકરંદ અને પ્રશાંત સહિત કુલ 7 લોકોનો સમાવેશ થાય છે. સુરત વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીની સઘન શોધખોળ કરી રહી છે, જેણે 10 લાખના દેવા પેટે આ ઝેર આપ્યું હતું. આ કેસમાં હજુ પણ ઘણા મોટા ખુલાસા થવાની શક્યતા છે, કારણ કે આટલું કિંમતી ઝેર ક્યાંથી આવ્યું તે રહસ્ય અકબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *