લોકઅપના ટોઇલેટની બારી સાથે હુડીની દોરી બાંધીને આરોપીનો આપઘાત

Spread the love

 

વડોદરાના જીવન નગર વુડાના મકાનમાં રહેતા રમેશ વસાવા નામના શખ્સે પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપના ટોઇલેટની બારી સાથે હુડી(સ્વેટર)ની દોરીને બારી સાથે બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો છે. ઉલ્લેખનીય છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પત્નીએ અરજી કરી હતી, પત્ની સાથે બોલાચાલી કરી માર મારવાના આક્ષેપ હેઠળ પોલીસ દ્વારા રમેશ વસાવાની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસે કલમ BNS 176 મુજબ કાર્યવાહી હાથ ધરી. હાલમાં પાણીગેટ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે કે કયા સંજોગોમાં આરોપીએ લોકઅપની અંદર આવું અંતિમ પગલું ભર્યું. આજે 21 જાન્યુઆરીએ વહેલી સવારે 4 આરોપીઓ લોકઅપમાં સૂતા હતા, ત્યારે રમેશ ઊઠી ગયો હતો અને 6.43 વાગે રમેશ વસાવા ટોઇલેટમાં ગયો હતો અને ફાંસો ખાવા માટે બારી સાથે (હુડી)સ્વેટરની દોરી બાંધીને 6.48 વાગ્યે બહાર આવ્યો હતો. ફરી 6.49 વાગ્યે તે ટોયલેટમાં ગયો હતો. જ્યાં તેને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ બીજો એક આરોપી ઉઠ્યો હતો અને તે ટોઇલેટમાં ગયો હતો. જ્યાં તેને રમેશને લટકતો જોયો હતો. જેથી તેને બૂમાબૂમ કરી હતી અને PSOને ઘટનાની જાણકારી હતી. જેથી પીએસઓ લોકઅપમાં દોડી ગયા હતા અને પીઆઇને જાણ કરી હતી. ત્યારબાદ એસીપી અને ડીસીપીને કરીને પણ જાણ કરી હતી, જેથી ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા.
DCP અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, રમેશભાઈ વસાવાને એક અરજીના અનુસંધાને ગઈકાલે(20 જાન્યુઆરી) સાંજે અટકાયતી પગલાં લઈને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તેમની સાથે બીજા ત્રણ આરોપીઓ પણ લોકઅપમાં હાજર હતા. આજે વહેલી સવારે લગભગ 6થી 6.15 વાગ્યાની આસપાસ, તેમણે લોકઅપના વોશરૂમમાં જઈને પોતે પહેરેલા સ્વેટર હૂડીની દોરી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. DCPએ વધુમાં જણાવ્યું હતું કે, જેવી આ ઘટના સામે આવી, તુરંત જ SDM અને ACPને જાણ કરવામાં આવી છે. અત્યારે તપાસ ચાલુ છે. SDMની હાજરીમાં પંચનામું કરવામાં આવશે અને ત્યારબાદ પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયાને વીડિયોગ્રાફી સાથે રેકોર્ડ કરવામાં આવશે અને કાયદેસરની તપાસ કરવામાં આવશે. ગઈકાલે પોલીસ દ્વારા આરોપીને ‘પટ્ટે-પટ્ટે’ માર મારવામાં આવ્યોના પરિવારના આક્ષેપ પર DCPએ જણાવ્યું હતું કે, હાલમાં SDM સાહેબ અને ACP સાહેબની હાજરીમાં શરીરનું પંચનામું થઈ રહ્યું છે. જો કોઈ પણ પ્રકારના મારના નિશાન હશે તો તે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અને તપાસમાં સામે આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લોકઅપના CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરાશે. તેઓએ કહ્યું કે, આ બાબતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને લોકઅપના CCTV ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવશે. તેના આધારે જ કોઈ ચોક્કસ તારણ પર આવી શકાશે કે ખરેખર કોની બેદરકારી છે. મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ, CCTV એનાલિસિસ અને તમામ કાયદાકીય પ્રોસીજર પૂરી થયા બાદ સત્ય સામે આવશે. હાલમાં તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *