ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અરજદારની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે પોતાની કેસની દલીલો માતૃભાષા ગુજરાતીમાં કરવાની મંજૂરી માંગી હતી. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણીય જોગવાઈઓ મુજબ હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી છે અને તેમની પાસે અંગ્રેજી સિવાય અન્ય કોઈ ભાષામાં સુનાવણી કરવાનો વિકલ્પ નથી.
એક લિટિગન્ટ (અરજદાર) જે 10 ચોપડી ભણેલો છે દ્વારા હાઈકોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેમને અંગ્રેજી ભાષામાં પૂરતી સમજ પડતી નથી, તેથી તેમને તેમની વાત ગુજરાતીમાં રજૂ કરવાની પરવાનગી આપવામાં આવે. અરજદારે દલીલ કરી હતી કે સ્થાનિક ભાષામાં વાત કરવાથી તેઓ ન્યાયતંત્ર સમક્ષ પોતાની રજૂઆત વધુ સારી રીતે કરી શકશે.
જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ વિમલ કે. વ્યાસની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ભારતીય બંધારણની કલમ 348 (Article 348) મુજબ ઉચ્ચ ન્યાયાલયો (High Courts)) અને સર્વોચ્ચ અદાલત (Supreme Court)ં ની તમામ કાર્યવાહી અંગ્રેજી ભાષામાં જ થવી જોઈએ.
અદાલતે અવલોકન કર્યું કે: જ્યાં સુધી રાષ્ટ્રપતિ દ્વારા કોઈ ચોક્કસ રાજ્ય માટે અન્ય ભાષાના ઉપયોગની સત્તાવાર મંજૂરી આપવામાં ન આવે, ત્યાં સુધી હાઈકોર્ટમાં અંગ્રેજી જ ફરજિયાત છે. ગુજરાત હાઈકોર્ટમાં હજુ સુધી ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાની આવી કોઈ અધિકૃત પરવાનગી મળી નથી.
કોર્ટે અરજદારને સમજાવતા કહ્યું કે, ન્યાયાધીશો બંધારણીય મર્યાદાઓથી બંધાયેલા છે. ભલે ગુજરાતમાં ગુજરાતી મુખ્ય ભાષા હોય, પરંતુ કાયદાકીય અને અદાલતી કામગીરી માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. કોર્ટે ઉમેર્યું હતું કે જો અરજદાર અંગ્રેજીમાં દલીલ કરી શકતા ન હોય, તો તેમણે કાનૂની સહાય મેળવવી જોઈએ અથવા વકીલ દ્વારા પોતાની રજૂઆત કરવી જોઈએ.
આ ચુકાદો ફરી એકવાર ન્યાયતંત્રમાં પ્રાદેશિક ભાષાઓના ઉપયોગ અંગેની ચર્ચાને વેગ આપે છે. અગાઉ પણ અનેકવાર હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાના ઉપયોગ માટે માંગણીઓ ઉઠી છે, પરંતુ જ્યાં સુધી કાયદાકીય ફેરફાર કે રાષ્ટ્રપતિની મંજૂરી ન મળે ત્યાં સુધી અંગ્રેજી જ સર્વોપરી રહેશે તેવું અદાલતે સાફ કરી દીધું છે.