ટ્રમ્પે યુરોપિયન દેશો પર ટેરિફની ધમકી પાછી ખેંચી

Spread the love

 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે તેઓ હવે 8 યુરોપિયન દેશો પર 10% ટેરિફ નહીં લગાવે. આ ટેરિફ 1 ફેબ્રુઆરીથી લાગુ થવાનો હતો. ટ્રમ્પે આ નિર્ણય દાવોસમાં NATO સેક્રેટરી જનરલ માર્ક રુટે સાથે ગ્રીનલેન્ડ અને આર્કટિક ક્ષેત્ર પર વાતચીત કર્યા પછી લીધો. ટ્રમ્પે કહ્યું હતું કે બંને નેતાએ ગ્રીનલેન્ડ અને સમગ્ર આર્કટિક ક્ષેત્રને લઈને ભવિષ્યના સોદાનું ફ્રેમવર્ક નક્કી કર્યું છે. આનાથી અમેરિકા અને તમામ NATO સભ્યોને ફાયદો થશે. તેમણે ટ્રુથ પર લખ્યું કે આ સમજૂતીના આધારે હું ટેરિફ નહીં લગાવું. ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજાનો વિરોધ કરનારા યુરોપિયન દેશો પર 10% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી.
ગ્રીનલેન્ડ ડીલનું ફ્રેમવર્ક શું છેઃ ટ્રમ્પ અને નાટો વચ્ચે ગ્રીનલેન્ડ ફ્રેમવર્ક હેઠળ ઘણા મુદ્દાઓ પર સહમતિ સધાઈ છે. આ અંતર્ગત ગ્રીનલેન્ડ અને સમગ્ર આર્કટિક ક્ષેત્રની સુરક્ષા નાટો અને અમેરિકા મળીને કરશે. ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે આ ડીલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ડેઇલી મેલના અહેવાલ મુજબ, અમેરિકાને ગ્રીનલેન્ડમાં કેટલાક મર્યાદિત વિસ્તારોમાં પોતાના સૈન્ય ઠેકાણાં બનાવવાની મંજૂરી મળશે. આ ઠેકાણાંનો ઉપયોગ જમીન, સમુદ્ર અને હવા ત્રણેય મોરચે દેખરેખ અને રક્ષા માટે થશે. આ સાથે જ નાટો, અમેરિકાના પ્રસ્તાવિત ‘ગોલ્ડન ડોમ’ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં પણ સહયોગ કરશે.
ફ્રેમવર્કમાં એ પણ સામેલ છે કે ગ્રીનલેન્ડના ખનિજ સંસાધનો પર અમેરિકા સાથે ભાગીદારી થશે. રશિયા અને ચીનને આ વિસ્તારમાં આર્થિક કે સૈન્ય પકડ બનાવતા રોકવામાં આવશે.
ટ્રમ્પે ટ્રુથ પર લખ્યું કે ગ્રીનલેન્ડ સંબંધિત ગોલ્ડન ડોમ મામલે વધુ ચર્ચા ચાલુ છે. આગળની માહિતી જેમ જેમ આગળ વધશે તેમ તેમ જણાવવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, વિદેશ સચિવ માર્કો રુબિયો, વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને અન્ય જવાબદાર લોકો વાતચીત કરશે અને સીધા મને રિપોર્ટ કરશે. ગોલ્ડન ડોમ અમેરિકાનો મિસાઈલ ડિફેન્સ પ્રોજેક્ટ છે. તે ઈઝરાયેલના આયર્ન ડોમથી પ્રેરિત છે.
ગોલ્ડન ડોમનો હેતુ ચીન, રશિયા જેવા દેશોથી જોખમથી અમેરિકાને બચાવવાનો છે. ટ્રમ્પ ઘણીવાર ગ્રીનલેન્ડને ગોલ્ડન ડોમ સંરક્ષણ પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ ગણાવી ચૂક્યા છે. ટ્રમ્પે 17 જાન્યુઆરીએ 8 યુરોપિયન દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ગ્રીનલેન્ડને લઈને અમેરિકા સાથે કોઈ સમજૂતી નહીં થાય, તો 1 જૂનથી આ ટેરિફ વધારીને 25% કરી દેવામાં આવશે. આ દેશોમાં ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને ફિનલેન્ડનો સમાવેશ થતો હતો. તેના જવાબમાં યુરોપિયન યુનિયને પણ અમેરિકા પર વેપાર પ્રતિબંધો લગાવવા અંગે વાતચીત શરૂ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *