
ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન ગ્રોસરી પ્લેટફોર્મ ”બિગ બાસ્કેટ” સાથે છેતરપિંડી આચરવા અને કંપનીના ઓપરેશનમાં ખલેલ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં રહેતા અને બિગ બાસ્કેટ (ટાટા એન્ટરપ્રાઈઝ) માં છેલ્લા બે વર્ષથી રીજનલ મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ નારણભાઈ દેસાઈએ આ અંગે ફરિયાદ આપી છે. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી કંપનીને ગ્રાહકો તરફથી મળતી ફરિયાદોમાં અચાનક મોટો વધારો થયો હતો, જેના પગલે કંપનીની ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઊંડાણપૂર્વક એનાલીસીસ કરવામાં આવ્યું હતું.
આ તપાસ દરમિયાન અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા એક સુનિયોજિત નેટવર્ક ચલાવીને કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. આ કૌભાંડમાં મુખ્યત્વે ”OTPBUY.ORG” નામની વેબસાઈટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓ આ વેબસાઈટ મારફતે ફેક મોબાઈલ નંબર મેળવતા અને લોગીન માટે જરૂરી વન ટાઈમ પાસવર્ડ (OTP) પણ તે જ સાઈટ પર જનરેટ કરી લેતા હતા.
આ નકલી મોબાઈલ નંબર અને ઓટીપીનો ઉપયોગ કરી તેઓ બિગ બાસ્કેટ ગ્રોસરી એપમાં લોગીન કરતા અને ત્યારબાદ અલગ-અલગ પ્રોડક્ટ્સ સિલેક્ટ કરીને ખોટા ઓર્ડર સબમીટ કરી દેતા હતા. આ રીતે ફેક ઓર્ડર સબમીટ થવાને કારણે કંપનીના સ્ટોર અને ડિલિવરી ઓપરેશનમાં મોટી મુશ્કેલીઓ ઊભી થતી હતી. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદ લઈ રહી છે.
આ ઓનલાઈન છેતરપિંડીના નેટવર્કને ચલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામનો પણ ભરપૂર ઉપયોગ થતો હોવાનું ખુલ્યું છે. ””OTP BUY”” નામની ટેલિગ્રામ ચેનલ તેમજ સપોર્ટિંગ ચેનલો તરીકે @otpbuycom અને @otpbuysupport દ્વારા આ નકલી નંબર પૂરા પાડવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું.