
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર છાલિયા તળાવ પાસે મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બોલેરો પિકઅપ, આઈશર, ટ્રક અને ડમ્પર સહિતના વાહનો વચ્ચે ટક્કર થતાં હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવી વધુ તપાસ હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર લાઈટો બંધ હોવાને કારણે દૃશ્યતા ઓછી રહે છે, જેના કારણે આવા અકસ્માતો વારંવાર બનતા હોય છે.