
અમદાવાદમાં પાલતુ કૂતરાના હુમલાના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે. બે મહિના પહેલાં ન્યૂ મણિનગરમાં નાના બાળક પર હુમલાની ઘટના બાદ એસપી રિંગ રોડ શીલજ ચાર રસ્તા નજીક આવેલા કાવેરી સંગમ ફ્લેટમાં મહિલા પર પાલતું કૂતરાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મહિલા સીડી ચડીને ઉપર જઈ રહી હતી તે દરમિયાન સામેથી એક યુવતી પોતાના પાલતુ કૂતરાને લઈ નીચે આવી રહી હતી. આ દરમિયાન અચાનક જ કૂતરાએ મહિલાના પગ ઉપર બચકું ભરવાનો પ્રયાસ કર્યો હતો અને નખ બેસાડી દીધા હતા. મહિલા પર કૂતરા દ્વારા હુમલો કરવાની ઘટના ફ્લેટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે મહિલાના પતિ દ્વારા AMCના સીએનસીડી વિભાગ અને બોપલ પોલીસ સ્ટેશનમાં ઈ-મેલ મારફતે ફરિયાદ કરવામાં આવી છે. મૂળ અરવલ્લી જિલ્લાના ધનસુરા પાસે આવેલા આકૃન્દ ગામે પટેલ જશવંતભાઈ એમના પત્ની હિનાબેન સાથે રહે છે. હિનાબેન સરકારી શાળામાં આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે. જશવંતભાઈનો અમદાવાદ એસપી રિંગ રોડ પર શીલજ ચાર રસ્તા પાસે આવેલા કાવેરી સંગમમાં C-103 ફ્લેટ આવેલો છે. આ ફ્લેટમાં તેમના દીકરી અને તેમનો ભાણિયો રહે છે. જશવંતભાઈ અને હિનાબેન અવારનવાર અમદાવાદ આવતા હોય છે અને તેમના દીકરી સાથે રહેતા હોય છે.
બંને પતિ-પત્ની અમદાવાદ પોતાના ફ્લેટ ખાતે રહેવા આવ્યા હતા. 20 જાન્યુઆરીના રોજ બપોરે પરત પોતાના ગામ જવાનું હોવાથી પહેલા નજીકમાં એક સંબંધીને મળવા ગયા હતા. હિનાબેન બપોરે 1 વાગ્યાની આસપાસ પોતાના ઘરે સીડી ચડીને જતા હતા, ત્યારે સીડી પરથી તેમના ઉપરના માળે C-203માં રહેતા મકાન માલિકની પુત્રી લાંબા પટ્ટા સાથે તેમના પાલતુ કૂતરાને લઈને નીચે ઉતરી રહી હતી. હિનાબેન જ્યારે સીડી ઉપર ચડવા જતા હતા, ત્યારે તેઓ પાલતુ કૂતરાને જોઇને ઊભા પણ રહ્યા હતા. જોકે, અચાનક જ કૂતરો તેમની તરફ આવી ગયો અને કરડવા માટે દોડ્યો હતો. કૂતરાથી બચવા માટે હિનાબેન બેથી ત્રણ પગથિયા પણ ચડી ગયા હતા. જોકે, યુવતી તેને ખેંચીને દૂર કરે તે પહેલા જ એમના પગ ઉપર નખ બેસાડી દીધા હતા. પાલતુ કૂતરાએ હુમલો કર્યો જે બાદ યુવતી તેમને બોલવા લાગી હતી અને ત્યાર બાદ ત્યાંથી જતી રહી હતી. પાલતુ કૂતરાએ અચાનક હુમલો કરતા હિનાબેન ગભરાઈ ગયા હતા અને આ મામલે તેમના પતિ અને તેમની દીકરીને પણ જાણ કરી હતી.
જશવંતભાઈએ જણાવ્યું હતું કે, મારા ફ્લેટમાં અવારનવાર અમે આવતા હોઈએ છીએ, ત્યારે અચાનક જ આ રીતે 20 જાન્યુઆરીના રોજ બપોરે અમે ગામેડ ઘરે પરત જવાના હતા ત્યારે સીડી ચડતી વખતે તેમના પત્ની ઉપર કૂતરાએ હુમલો કર્યો અને આ બાબતે જ્યારે તેમને કહેવા ગયા તો તેઓએ એમને કહ્યું હતું કે, આ મારા દીકરા જેવો છે. તમારાથી થાય એ કરી લો. ગામડે જવાનું હોવાને કારણે તેઓ ઘરે પહોંચ્યા હતા અને ત્યાં આકૃન્દ પ્રાથમિક આરોગ્ય સારવાર કેન્દ્ર ખાતે સારવાર કરાવી હતી. ડોક્ટરે ચાર ઇન્જેક્શન લેવા માટે કહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્થાનિક લોકોને જ્યારે આ બાબતે જાણ થઈ તો તેમણે પણ સ્વીકાર્યું હતું કે તેમના પાલતુ કૂતરાની ઘણી બધી ફરિયાદો છે. લાંબા પટ્ટાથી તેઓ કૂતરાને બાંધી રાખે છે અને અવારનવાર હુમલો પણ કરે છે. એક બે વખત તેમની દીકરીના ભાણિયયાને પણ કરવા માટે દોડ્યો હતો. આ સમગ્ર બાબતે બોપલ પોલીસ સ્ટેશનમાં અને AMCના સીએનસીડી વિભાગને ઈ-મેલ મારફતે ફરિયાદ કરી છે. પાલતુ કૂતરાનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હોવાનું પ્રાથમિક રીતે તેઓને જાણવા મળ્યું છે. આ બાબતે રૂબરૂ આવી શકે તેમ ન હોવાના કારણે તેઓ દ્વારા આ મામલે ઈ-મેલથી ફરિયાદ કરી છે.