અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કચેરીથી 100 મી.ના અંતરે મર્ડર

Spread the love

 

અમદાવાદ શહેરમાં હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચ કચેરીથી 100 મીટરના અંતરે આકાશ ઓડ નામના યુવકની છરીના ઘા મારી હત્યા કરાઈ છે. ગત(21 જાન્યુઆરી) મોડીરાતે બે યુવકો વચ્ચે કોઈ બાબતે થયેલી બોલાચાલી બાદ સમાધાન થયું હતું. જો કે, તેની અદાવત રાખીને બીજા જ દિવસે યુવકની હત્યા કરાઈ છે. ગાયકવાડ હવેલી પોલીસે આ કેસમાં બે આરોપી લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની ધરપકડ કરી છે અને મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. મૃતકની હત્યા BGMI ગેમ બાબતે નહીં પણ એક દિવસની અદાવતમાં MD ડ્રગ્સના નશામાં હત્યા કરવામાં આવી હોવાનો મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે.
ગાયકવાડ હવેલીમાં આવેલી ક્રાઈમ બ્રાંચ, જ્યાં 24 કલાક પોલીસકર્મચારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની અવરજવર હોય છે, એની નજીક મોડીરાતે ખૂની ખેલ ખેલાતાં ભારે ચકચારમચી ગઈ છે. ઝઘડામાં સમાધાન થયા બાદ પણ માથાભારે શખસે તેના સાગરીતો સાથે મળીને ગઈકાલે યુવકને ઉપરાછાપરી છરીઓના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે એક આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે, જ્યારે બીજા આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. બે દિવસ પહેલાં આરોપી BGMI (બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા) રમી રહ્યો હતો ત્યારે મૃતક યુવક સાથે તેને બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખીને આ હત્યા કરાઈ હોવાની વિગતો મળી હતી.
પરિવારજને જણાવ્યું હતું કે, મારા ભાઈને ન્યાય મળવો જોઈએ તેવી અમારી માંગણી છે. મિત રાઠોડ સહિત 5 લોકોએ માર માર્યો હતો. ગેમ બાબતે કોઈ હત્યા થઈ નથી, માત્ર એક જ દિવસની અદાવતમાં હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી હતી. MD ડ્રગ્સના નશામાં હત્યા કરવામાં આવી છે. ગાડી લઈને ઊભો રહ્યો ત્યારે અન્ય કેટલાક લોકોએ બોલાચાલી કરી હતી. આજીવન કેદની સજા થાય તેવી અમારી માંગણી છે. બીજી વખતે જો કોઈ માણસો બોલાવીને આવશે તો અમે ક્યાં જઈશું?
જમાલપુર પીરભાઈ ધોબીની ચાલીના મકાન નંબર 3માં રહેતા જયેશ બાબુભાઈ ઓડે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં પાડોશમાં રહેતા લાલો રાઠોડ અને તેના મિત્રો વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. જયેશ ઓડ સંયુક્ત પરિવારમાં રહે છે અને ગઈકાલે મોડીરાતે તેના ભાઈની ઘાતકી હત્યા થઈ ગઈ છે. જયેશ રાઠોડનો ભાઈ આકાશ ગઈકાલે નોકરીથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો. હુમલો એટલો ખતરનાક હતો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આકાશ ઓડના ચાર વર્ષ પહેલાં મમતા ઓડ સાથે લગ્ન થયા હતા. આકાશ રતનપોળમાં આવેલી સાડીઓની દુકાનમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો હતો. આકાશ સવારે નોકરી જતો અને રાતે નિયત સમયે પરત ઘરે આવતો હતો. મંગળવારના દિવસે આકાશ અને તેના પાડોશમાં રહેતા લાલા રાઠોડ સાથે ગાળ બોલવાની બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ આકાશ અને લાલાના કોમન મિત્રોએ ભેગા થઈને બન્નેનું સમાધાન કરાવી દીધું હતું. લાલાએ આકાશ સાથે નામ પૂરતું જ સમાધાન કર્યું હતું અને તે તેનું ઢીમ ઢાળી દેવાની ફિરાકમાં હતો. લાલાએ તેના મિત્રો સાથે મળીને આકાશની રેકી કરી હતી. ગઈકાલે આકાશ નોકરી પરથી આવી રહ્યો હતો ત્યારે લાલાએ તેના સાગરીતો સાથે મળીને હુમલો કરી દીધો હતો. લાલા અને તેના સાગરીતોએ આકાશ પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા, જ્યા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા, જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ આવી પહોચી હતી. ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને એક આરોપીની અટકાયત કરી લીધી છે, જ્યારે બીજા આરોપીઓને શોધવાનો પ્રયાસ ચાલુ છે.
જયેશ ઓડે આ મામલે જણાવ્યું હતું કે લાલો તેમજ તેના સાગરીતો ક્રાઈમ બ્રાંચની કચેરીની પાસે બર્ગમેન લઈને વોચમાં ઊભા હતા. આકાશ તેના બે મિત્રો સાથે નોકરીથી પરત ઘરે આવી રહ્યો હતો. આકાશ બાઈક ઉપર બે મિત્રોની વચ્ચે બેઠો હતો. આકાશ ક્રાઈમ બ્રાંચની કચેરીથી પસાર થયો ત્યારે લાલાએ સાગરીતો સાથે બર્ગમેન ચલાવ્યું હતું. લાલાએ તેનું બર્ગમેન બાઈક સાથે અથડાવ્યું હતું. લાલાને જોઈને આકાશ ભાગવા ગયો હતો અને રિક્ષાઓ પાસે પહોંચી ગયો હતો. લાલાએ તેના સાગરીતો સાથે મળીને ઉપરાછાપરી આકાશને છરીઓના ઘા ઝીંકી દીધા હતા. લાલાએ તેના સાગરીત સાથે મળીને એટલા છરીઓના ઘા ઝીંક્યા કે આકાશના પેટનાં આંતરડાં બહાર આવી ગયાં હતાં. માથાના તેમજ શરીરના અલગ અલગ ભાગમાં છરીઓના ઘા ઝીંકી દીધા હતા. પોલીસે હાલ લાલો રાઠોડ અને તેના મિત્ર શાહિદખાન પઠાણની ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીઓને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *