ભરૂચમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત

Spread the love

 

ભરૂચ શહેરમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં પોલીસતંત્રમાં ચકચાર મચી ગઈ છે. ગત રાત્રિના સમયે ભરૂચ હેડક્વાર્ટર ખાતે આવેલા પોતાના રહેણાક રૂમમાં યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૂળ ભાવનગરની 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આપઘાત પાછળનું સાચું કારણ જાણવા માટે મૃતકનાં પરિવારજનો અને સહકર્મીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગઈકાલે પોતાની કચેરીમાં ફરજ દરમિયાન ખુશ ખુશાલ પ્રીતિએ પોતાના સ્ટાફ સાથે પાણીપૂરી ખાધી, સાથે નાસ્તો પણ કર્યો હોવાનું જાણવા મળ્યું છે, જોકે ત્યાર બાદ શું બન્યું કે તેણે અંતિમ પગલું ભર્યું એની તપાસ ચાલી રહી છે. મૂળ ભાવનગરના તળાજા તાલુકાના બોરલા ગામમાં વતની પ્રીતિ પરમાર છેલ્લાં પાંચ વર્ષથી ભરૂચ પોલીસબેડામાં LIB શાખામાં ફરજ બજાવતાં હતાં. ગતરોજ પોતાની ફરજ બજાવી પોતાની રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલમાં સિવિલમાં તબીબો દ્વારા પેનલ પીએમ કરાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *