
અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં મોડીરાતે એક પરણિતા પર છરી વડે હુમલો થતા ચકચાર મચી ગઈ છે. તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત કેમ નથી કરતી તેમ કહીને યુવકે પરણિતાને બેકરીમાં છરીના ઘા ઝીંકી દીધા હતા. યુવકે અગાઉ પણ પરણિતાના સંબંધીઓ પર તલવાર વડે હુમલો કર્યો હતો. જે કેસ હજુ કોર્ટમાં ચાલે છે. પરણિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બેહરામપુરા વિસ્તારમાં આવેલી રસુલ કડીયાની ચાલીમાં રહેતી પરણિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રહીમ ઉર્ફે નોમાન લતીફ શેખ (રહે, કસાઈ જમાની ચાલી, બહેરામપુરા) વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. આ પરણિતાના શહેબાઝ સાથે લગ્ન થયા હતા.પરંતુ તેમની વચ્ચે મનમેળ નહીં આવતા છૂટાછેડા લઈ લીધા હતા. ત્યાર બાદ તેણીએ અન્ય યુવક સાથે બીજા લગ્ન કરી લીધા હતા. પરણિતાનું સાસરું સરખેજ વિસ્તારમાં આવેલા આમેના પાર્કમાં છે. ગઈકાલે તે સરખેજથી બહેરામપુરા તેના પિયર આવી હતી ત્યારે તેના ઉપર હુમલો થયો છે. છ મહિના પહેલા પીડિત પરણિતા તેના નાનીના ઘરે જતી હતી ત્યારે તેને રહીમ ઉર્ફે નોમાન શેખ સાથે મુલાકાત થઈ હતી. રહીમે પરણિતા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરતા તેણીએ વાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ગઈકાલે રાતે પરણિતા તેની માસી સુરૈયાબાનુના ઘરે જઈ રહી હતી ત્યારે રાજા બેકરીમાં બન લેવા માટે ઉભી હતી. પીડિતા બન ખરીદી રહી હતી ત્યારે રહીમ ત્યાં આવી કહેવા લાગ્યો હતો કે તું એકલી ક્યાં ફરે છે, મારી સાથે વાત નથી કરતી.
જો કે પરણિતાએ કોઈ જવાબ નહીં આપતા રહીમ વધુ ગિન્નાયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી પીડિતાએ તેની માસીને ફોન કર્યો તો રહીમ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પોતાની પાસે છરી કાઢી હતી. તમન્ના કંઈ વિચારે તે પહેલા રહીમે તેના બન્ને હાથ પર છરી ના ઘા ઝીંકી દીધા હતા. પરણિતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે રહીમ ત્યાંથી ભાગી ગયો હતો અને પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યારે દાણીલીમડા પોલીસે રહીમ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. તમન્ના પર થયેલા હુમલાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રહીમ તેના પર છરીઓ વડે હુમલો કરે છે.