
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, થાનગઢ, ચોટીલા અને મૂળીના મામલતદારોની સંયુક્ત ટીમે થાનગઢમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. 21 જાન્યુઆરી, 2026ના રોજ મોડી રાત્રે 1 વાગ્યે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત થાનગઢના સૂર્યા ચોકથી તરણેતર જવાના રસ્તાની બંને બાજુએ આવેલા સરકારી સર્વે નંબર 79, 81, 89 અને 349 પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કુલ 231 કોમર્શિયલ દુકાનો, 7 સેનેટરી વેરના કારખાના, દુકાનોમાં બનેલી “આશાપુરા હોસ્પિટલ” અને 17 રહેણાંક મકાનો સહિત કુલ 260 દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે.
આ દબાણો સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે પાકા બાંધકામો કરીને કરવામાં આવ્યા હતા. થાનગઢ મામલતદાર દ્વારા દબાણકર્તાઓને 6 ઓગસ્ટ, 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓએ તેનું પાલન કર્યું ન હતું, જેના પગલે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. દબાણદારો દ્વારા કોમર્શિયલ અને રહેણાંક હેતુ માટે ઉપયોગમાં લેવાતી આ જગ્યાઓનું ભાડું ઉઘરાવવામાં આવતું હોવાનું પણ ધ્યાને આવ્યું છે, જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. થાનગઢ, અમરાપર અને સોનગઢ ગામની નગરપાલિકાને અડીને આવેલી આ 52-00 ગુઠા સરકારી જમીનની વર્તમાન બજાર કિંમત આશરે 210 કરોડ 26 લાખ રૂપિયા છે. ખુલ્લી થયેલી આ જમીન પર ટૂંક સમયમાં તાર ફેન્સિંગ અને જાળવણી માટેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.