કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીની હત્યા કરી પોતાના લમણે ગોળી ધરબી દીધી, બે મહિના પહેલા જ લગ્ન થયા હતા

Spread the love

 

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ ગત રાત્રે અમદાવાદમાં ઘરમાં જ તેમની પત્નીને ગોળી ધરબી હત્યા કરી નાખી હતી. બાદમાં પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘરેલું ઝઘડો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે.

ગત મોડી રાત્રે કોઈ અગમ્ય કારણોસર દંપતી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને યશરાજે પોતાની પાસે રહેલા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતાની સાથે જ રાજેશ્વરી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડી હતી. પત્નીને જમીન પર ઢળેલી જોઈ ગભરાયેલા યશરાજે તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ તબીબોએ તપાસતા રાજેશ્વરીને મૃત જાહેર કરી હતી.

જ્યારે 108નો સ્ટાફ કાર્યવાહી પૂર્ણ કરી ઘરની બહાર નીકળ્યો, તે જ ક્ષણે યશરાજે પણ તે જ હથિયાર વડે પોતાના માથે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. પડોશીઓ અને સોસાયટીના રહીશો કંઈ સમજે તે પહેલા જ એક હસતું-રમતું ઘર માતમ છવાઈ ગયું હતું. હાલમાં વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, ગુનો નોંધીને ઝઘડા પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

યશરાજ ગોહિલ ક્લાસ-વન અધિકારી હતા. પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ ગોળી મારી આપઘાત કરી લીધો હતો. માત્ર બે મહિના અગાઉ જ લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ ખેલાયો હતો.

વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે એનઆઈઆર ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

બનાવ બનતા આસપાસના લોકો ભેગા થયા હતા. પોલીસને જાણ કરતા ઝોન વન ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *