જોધપુર (રાજસ્થાન) તા.22 રાજસ્થાન હાઈકોર્ટે મુસ્લીમ દંપતિના તલાકના કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે જયારે મુસ્લીમ પતિ-પત્ની બન્ને તલાક માટે સહમત હોય તો ફેમિલી કોર્ટે ટેકનીકલ આધારે વિવાહ વિચ્છેદનો ઈન્કાર ન કરવો જોઈએ.
કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જયારે મુસ્લીમ પતિ-પત્ની બન્ને તલાક પર સહમત હોય તો ફેમિલી કોર્ટે ટેકનીકલ આધાર પર વિવાહ વિચ્છેદથી ઈન્કાર ન કરવો જોઈએ.
આ મામલો ફેમીલી કોર્ટ મેડતાના એ આદેશ સાથે જોડાયેલો હતો, જેમાં પત્નીની તલાક અરજી એમ કહીને ફગાવી દેવાઈ હતી કે તલાકની પ્રક્રિયામાં બે સાથીઓની ઉપસ્થિતિ સિદ્ધ નથી થઈ અને ક્રુરતાનું મજબૂત પ્રમાણપત્ર રજૂ નથી કરાયું. ફેમિલી કોર્ટના આ આદેશને પત્નીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
મામલાની સુનાવણી જસ્ટીસ અરુણ મોંગા અને જસ્ટીસ યોગેન્દ્રકુમાર પુરોહિતની ખંડપીઠે કરી ફેમીલીકોર્ટના આદેશને પલટતા કડક ટિપ્પણી કરી હતી કે આ મામલો મિયા-બીબી રાજી, કાજી નથી માની રહ્યાની સ્થિતિનું જીવંત ઉદાહરણ છે. કોર્ટે કહ્યું કે જયારે બન્ને પક્ષો તલાક પર સહમત છે તો નીચલી અદાલતે બિનજરૂરી હસ્તક્ષેપ ન કરવો જોઈએ.
હાઈકોર્ટે રેકોર્ડના આધારે માન્યુ હતું કે પતિએ ત્રણ અલગ અલગ તુહર (માસીક ધર્મ દરમિયાનનો સમયગાળો)માં તલાકનું ઉચ્ચારણ કર્યું હતું, જેનો પત્નીએ સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ 20 ઓગષ્ટ 2024ના બન્ને પક્ષોએ પરસ્પર લેખિત તલાક સમજુતી (મુબારત) કરી હતી, જેમાં મહેર, ઈદત સમયગાળાનું ભરણ-પોષણ અને આજીવન ગુજારા ભથ્થુ નકકી કરાયુ હતું.
કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, સુન્ની મુસ્લીમ કાયદામાં તલાક માટે સાક્ષીઓની અનિવાર્યતા નથી અને ફેમિલી કોર્ટે શિયા કાયદા સાથે જોડાયેલા નિર્ણયોને ખોટી રીતે લાગુ કર્યા હતા.